Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

લોકશાહીની રક્ષા માટે અવાજ ઉઠાવવા રાહુલ ગાંધીનો અનુરોધ

સરકારને અસ્થિર કરવાનું ભાજપનું ષડયંત્ર છે : રાજસ્થાનમાં પૈસાના જોરે સરકાર અસ્થિર કરવા માટેનો પ્રયાસ : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો ભાજપ ઉપર આક્ષેપ

નવી દિલ્હી, તા. ૨૬ : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશની જનતાને એકજૂથ થઈને લોકશાહીની રક્ષા માટે અવાજ કરવા વિનંતી કરી છે. રાહુલ ગાંધીએ એક ટ્વિટમાં લખ્યું હતું કે, આવો લોકશાહીમાં એકજૂથ થઈને લોકશાહીની રક્ષા માટે જ અવાજ ઉઠાવીએ. આ માટે રાહુલ ગાંધીએ #Speak Up For Democracy આવા હેશટેગનો પણ પોતાની ટ્વિટમાં ઉલ્લેખ કર્યો હતો. રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ સાથે સંકળાયેલો એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે. #Speak Up For Democracyમાં રાહુલ ગાંધીએ રાજસ્થાન પ્રકરણ પર ફોકસ કર્યું છે અને ત્યાં પૈસાના જોરે કોંગ્રેસ સરકારને અસ્થિર કરવા પ્રયત્ન થઈ રહ્યો છે તેવો આરોપ લગાવ્યો હતો. બે દિવસ પહેલા પણ રાહુલ ગાંધીએ રાજસ્થાન મામલે ટ્વિટ કરીને ભારતીય જનતા પાર્ટી (બીજેપી) પર આરોપો લગાવ્યા હતા. રાહુલ ગાંધીએ ટ્વિટમાં લખ્યું હતું કે, 'દેશમાં બંધારણ અને કાયદાનું શાસન છે.

                   સરકારો જનતાના બહુમતથી રચાય છે અને ચાલે છે. રાજસ્થાન સરકારને અસ્થિર કરવાનું ભાજપનું ષડયંત્ર સ્પષ્ટ છે. આ રાજસ્થાનના આઠ કરોડ લોકોનું અપમાન છે. રાજ્યપાલ મહોદયે વિધાનસભા સત્ર બોલાવવું જોઈએ જેથી દેશ સામે સત્ય રજૂ કરી શકાય.' એક દિવસ પહેલા શનિવારે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર કોરોના વાયરસના સંકટ વચ્ચે નફો કમાવવાનો આરોપ મુકીને લોકડાઉન દરમિયાન પ્રવાસી મજૂરો પાસેથી રેલવેનું ભાડું વસૂલીને કમાણી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. આ અંગેની ટ્વિટમાં રાહુલ ગાંધીએ લખ્યું હતું કે, 'બીમારીના વાદળ છવાયેલા છે. લોકો મુશ્કેલીમાં છે. ફાયદો લઈ શકો છો- સંકટને નફામાં ફેરવીને કમાણી કરી રહી છે ગરીબ વિરોધી સરકાર.' કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ એક રિપોર્ટ અંગે ટ્વિટ કરીને આ ટિપ્પણી કરી હતી. રિપોર્ટ પ્રમાણે કોરોના જેવા ગંભીર સમયમાં પણ ભારતીય રેલવેએ શ્રમિક સ્પેશિયલ ટ્રેન દ્વારા ૪૨૮ કરોડ રૂપિયાની કમાણી કરેલી છે.

(7:26 pm IST)