Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

માલદિવના સ્વાતંત્ર દિવસની ઉજવણી પ્રસંગે ભારત તેને મદદ કરવા આર્થિક પેકેજ જાહેર કરશે

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ નરેન્દ્રભાઇ મોદીએ માલદીવના રાષ્ટ્રપતિને શુભેચ્છા પાઠવી

નવી દિલ્હી,: કોરોના મહામારી વચ્ચે માલદીવના અર્થંતંત્ર પર જે દબાણ સર્જાયું છે તેને ઘટાડવા માટે ભારત ખૂબ જ ટૂંક સમયમાં જ નાણાંકીય સહાય માટેના પેકેજની જાહેરાત કરશે. માલદીવ ખાતેના ભારતીય દૂતાવાસે આપેલા સંદેશાના આધાર પર આગામી 26 જુલાઈના રોજ માલદીવના સ્વતંત્રતા દિવસના રોજ મદદ પહોંચાડવામાં આવશે.

ભારતીય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માલદીવના રાષ્ટ્રપતિ સોલિહને માલદીવના સ્વતંત્રતા દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી. ભારતીય દૂતાવાસે પોતાના સંદેશામાં લખ્યું હતું કે, મિત્રતાના આધાર પર ભારત હંમેશા માલદીવ સાથે છે. આ મિત્રતા ઐતિહાસિક છે અને સારા ભવિષ્ય માટે અમે એકબીજાનો સાથ આપીશું.

ઉલ્લેખનીય છે કે મોદી સરકારની નેબરહુડ ફર્સ્ટ પોલિસી અંતર્ગત માલદીવના મુશ્કેલીના દરેક સમયે ભારતે સાથ આપ્યો છે. સાથે જ ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનાવવાના પ્રયત્નો ચાલુ છે. ભારતે આના પહેલા પણ હિંદ મહાસાગર ખાતે આવેલા આ દેશને મુદ્રા સંકટમાંથી ઉગારવા 400 મિલિયન ડોલરની સહાય આપેલી છે.

કોરોના કાળ દરમિયાન પણ નવી દિલ્હી તરફથી ઓપરેશન સંજીવની અંતર્ગત માલદીવને આશરે 6.2 ટન જરૂરી દવાઓ અને 600 ટન ભોજન સામગ્રી મોકલવામાં આવી હતી. માલદીવ ખાતે આવેલું ભારતીય દૂતાવાસ આજે (રવિવારે) માલદીવના સ્વતંત્રતા દિવસ નિમિત્તે એક ફોટો પ્રદર્શની યોજશે.

ઉલ્લેખનીય છે કે ભારત માલદીવના રાજદ્વારી સંબંધોને 55 વર્ષ પૂર્ણ થવાના કારણે આ આયોજન વધુ ખાસ બન્યું છે અને તેમાં બંને પાડોશી દેશના સતત મજબૂત થઈ રહેલા સંબંધોની ઝલક જોવા મળશે.

(12:14 pm IST)