Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

ABVP અધ્યક્ષ પર મહિલાને પરેશાન કરી હોવાનો આરોપ

તામિલનાડુના ચેન્નાઈની ઘટનાઃ પોલીસે તપાસ આદરી : અધ્યક્ષે મહિલાના ઘરના દરવાજે લઘુશંકા કર્યાનો આક્ષેપ

 ચેન્નાઈ, તા. ૨૫ : તામિલનાડુના ચેન્નાઈમાં એક ૬૨ વર્ષની મહિલાએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ પર પરેશાન કરવાનો આરોપ લગાવ્યો છે. એપાર્ટમેન્ટમાં એકલવાયા રહેતાં મહિલાનાં જણાવ્યા મુજબ પાર્કિંગ મુદ્દે વિવાદ થતા એબીવીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. સુબ્બૈયા ષણમુગમએ તેમનાં ઘરનાં દરવાજા પર લઘુશંકા કરી હતી. એટલું નહીં તેમનાં ઘરની સામે ઉપયોગ કરેલા સર્જીકલ માસ્ક પણ ફેંક્યા હતા. પોલીસે ઘટનાની તપાસ આદરી છે. પરંતુ હજુ સુધી સમગ્ર ઘટના અંગે ગુનો નોંધ્યો નથી.

હાઉસિંગ સોસાયટીમાં પાર્કિંગના મામલે તકરાર થઈ હતી, સુબ્બૈયા મહિલાનાં પાર્કિંગ સ્લોટમાં પોતાનું વાહન પાર્ક કરવા માગતા હતા. મહિલાએ જ્યારે તેમની પાસે પાર્કિંગ માટે રકમ માગી તો તેમણે બોલાચાલી કરી હતી, ત્યારબાદ માનસિક રીતે પરેશાન કર્યા હતા.

 મહિલાએ મામલે અદમ્બક્કમ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. તેની સાથે ઘટનાના સીસીટીવી ફૂટેજ અને કેટલીક તસવીરો પણ પોલીસને પુરાવારૂપે આપી હતી. જેમાં છાત્રોના રાષ્ટ્રીય નેતાનું કરતૂત સ્પષ્ટ નજરે પડી રહ્યું છે. તેમ છતાં પોલીસ દ્વારા ૧૧મી જુલાઈએ ફરિયાદ નોંધાવવા છતાંય કોઈ પગલાં લેતાં મહિલાએ રોષની લાગણી ઠાલવી છે. પોલીસના નિકટવર્તી સુત્રોનાં જણાવ્યા મુજબ પોલીસે મહિલાની માત્ર લેખિત અરજી લીધી છે. ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી નથી. મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમની પાસે બે પાર્કિગ સ્લોટ છે. ષણમુગમએ તેમાંથી એક પાર્કિંગ સ્લોટનો ઉપયોગ કરવા માટે સંપર્ક કર્યો હતો. જ્યારે મેં તે માટે ભાડાની માગ કરી તો તેઓ ગુસ્સે થઈ ગયા. સૌપ્રથમ તેમણે પાર્કિંગ સ્લોટનું સાઈન બોર્ડ તોડી નાંખ્યુ હતું.

બીજીબાજુ કિલપુક મેડિકલ કોલેજ એન્ડ ગર્વમેન્ટ રોયપેટ્ટા હોસ્પિટલમાં સર્જિકલ ઓક્નોલોજી વિભાગના હેડ અને પ્રોફેસર ષણમુગમના જણાવ્યા મુજબ મહિલાની ફરિયાદ ખોટી છે અને સીસીટીવી ફૂટેજ સાથે પણ છેડછાડ કરવામાં આવી છે. તેમને બદનામ કરવાનો કારસો કર્યો હોવાનું પણ તેમણે વધુમાં જણાવ્યું હતું. ઉપરાંત વિદ્યાર્થી પાંખે મહિલાના પરિવારજનો દ્વારા અપમાનજનક નિવેદનો કરવા મુદ્દે કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી આપી છે.

(12:00 am IST)