Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

યુપીમાં સ્થિતિ સતત વણસી રહી છે : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીનો યોગીને પત્ર

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ યુપીમાં વધતા સંક્રમણ પર ચિંતા વ્યક્ત કરી : સરકારે નો ટેસ્ટ, નો કોરોના પોલિસી અપનાવી રાખી છે

નવી દિલ્હી, તા. ૨૫ : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીને રાજ્યમાં કોરોના વાયરસના દર્દીઓની વધતી જઈ રહેલી સંખ્યાના મામલે પત્ર લખ્યો છે. બે પાનાના પત્રમાં તેઓએ લખ્યું છે કે રાજ્યમાં શુક્રવારના રોજ કોરોનાના નવા ૨૫૦૦ કેસ નોંધાયા છે. નવા દર્દીઓની સંખ્યા પૂરઝડપે વધી રહી છે. મહાનગરો ઉપરાંત ગામડાઓમાંથી પણ કોરોનાના દર્દીઓની સંખ્યા સામે આવી રહી છે. પ્રિયંકા ગાંધીએ પત્રમાં લખ્યું છે કે તમારી સરકારે 'નો ટેસ્ટ, નો કોરોના'ની પોલિસી અપનાવી રાખી છે. જેના કારણે પરિસ્થિતિ વિસ્ફોટક થઈ ગઈ છે. જ્યાર સુધી પારદર્શી રસ્તો નહીં અપનાવવામાં આવે ત્યાર સુધી લડાઈ અધૂરી રહેશે અને પરિસ્થિતિ વધારે ભયાનક થઈ જશે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના પુત્રી પ્રિયંકાએ પત્રમાં કહ્યું છે કે ઉત્તર પ્રદેશની હોસ્પિટલ્સની પરિસ્થિતિ અત્યંત ખરાબ છે. લોકો કોરોના માટે કરવામાં આવેલી વ્યવસ્થાના કારણે ડરી રહ્યા છે. કારણસર લોકો ટેસ્ટ કરાવવા માટે આવવાનું ટાળી રહ્યા છે.

            આ સરકારની મોટી નિષ્ફળતા છે. કોરોનાનો ડર બતાવીને ભ્રષ્ટાચાક થઈ રહ્યો છે જેના પર લગામ લગાવવામાં નહીં આવે તો પરિસ્થિતિ ખૂબ જ વણસી જશે. પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશની યોગી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે તમારી સરકાર દાવો કરી રહી છે કે દોઢ લાખ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ હકીકત એ છે કે તેમાં ફક્ત ૨૦ હજાર દર્દીઓ આવી જવાથી પણ અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે.

(12:00 am IST)