Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

જમ્મુ-કાશ્મીર બાદ પીએમ મોદી હવે કારગીલ-લદ્દાખના રાજકીય પક્ષો સાથે કરશે મુલાકાત :નેતાઓને આમંત્રણ

કારગીલ અને લદ્દાખના નેતાઓ અને સામાજિક કાર્યકરોને 1 જુલાઇએ બેઠક માટે આમંત્રણ અપાયું

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીર પર સર્વપક્ષીય બેઠકની પહેલ કર્યા પછી કેન્દ્ર સરકારે હવે કારગીલ અને લદ્દાખનાં રાજકીય પક્ષોના નેતાઓ સાથે મુલાકાત કરશે. આ અંતર્ગત કારગીલ અને લદ્દાખના નેતાઓ અને સામાજિક કાર્યકરોને 1 જુલાઇએ બેઠક માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનિય છે કે કેન્દ્ર સરકાર કાશ્મીરની વર્તમાન પરિસ્થિતિ અને ભવિષ્યને લઈને આ પહેલ કરી રહી છે. 24 જૂને મળેલી સર્વપક્ષીય બેઠક અંગે પીએમ મોદીએ જમ્મુ-કાશ્મીરનાં નેતાઓને કહ્યું હતું કે, આ બેઠક દિલનાં અંતર અને દિલ્હીનાં અંતરને સમાપ્ત કરવા માટે યોજાઇ. બેઠક પછી પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે આપણી લોકશાહીની સૌથી મોટી શક્તિ મેજ પર બેસવાની અને વિચારોનાં આદાન-પ્રદાન કરવાની ક્ષમતા છે.

24 જૂનની બેઠક બાદ પીએમ મોદીએ કહ્યું હતું કે તેમણે જમ્મુ-કાશ્મીરના નેતાઓને અપીલ કરી કે લોકોને, ખાસ કરીને યુવાનોને રાજકીય નેતૃત્વ આપવાનું છે, અને તે સુનિશ્ચિત કરવાનું છે કે તેમની અપેક્ષાઓ પૂરી થાય. સર્વપક્ષીય બેઠકમાં આઠ પક્ષોના 14 નેતાઓ હાજર રહ્યા હતા.

આ નેતાઓમાં નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ નેતા ફારૂક અબ્દુલ્લા, તેમના પુત્ર અને પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) ના વડા મહેબૂબા મુફ્તી અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ગુલામ નબી આઝાદ ઉપસ્થિત રહ્યા હતા.

(11:50 pm IST)