Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

રાષ્ટ્રપતિની કાનપુર મુલાકાત વેળાએ ટ્રાફિક જામમાં અટવાયેલ એમ્બ્યુલન્સમાં એક મહિલા દર્દીનું મોત

પોલીસ કમિશનરે ઉચ્ચ અધિકારીઓ સહીત મૃતક ભારતીય ઉદ્યોગ સંગઠન (IIA) ની મહિલા વિંગના પ્રમુખ વંદના મિશ્રાના પરિવારને સાંત્વના આપી માફી માંગી :કહ્યું - ભવિષ્ય માટે એક મહાન પાઠ

ભારતીય ઉદ્યોગ સંગઠન (IIA) ની મહિલા વિંગના પ્રમુખ વંદના મિશ્રાનું શુક્રવારે મોડીરાતે ઉત્તર પ્રદેશના કાનપુરમાં મોત થયું છે. રાષ્ટ્રપતિની કાનપુર મુલાકાત દરમિયાન રોકાયેલ ટ્રાફિક જામમાં વંદના મિશ્રાની એમ્બ્યુલન્સ અટવાઈ જવાના કારણે સમયસર હોસ્પિટલ પહોંચી શકી ના હતી. અને તેણીનું મોત થયું હતું.

વંદના મિશ્રાના મોત અંગેની માહિતી મળતાં પોલીસ કમિશનર અસીમ અરુણ, ડીસીપી દક્ષિણ રવિના ત્યાગી શનિવારે સવારે કિદવાઈ નગર સ્થિત મકાન પર પહોંચ્યા હતા અને પોલીસ કમિશનરે ટ્રાફિક જામ વિશે માહિતી લીધા બાદ પરિવારને સાંત્વના આપી હતી અને ત્યારબાદ માફી માંગી હતી. તેમણે જણાવ્યું હતું કે, હું પોલીસ અધિકારી અને સાથે વ્યક્તિગત રૂપે માફી માંગુ છું. ભવિષ્ય માટે એક મહાન પાઠ છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે કિદવાઈ નગર બ્લોકમાં રહેતી શરદ મિશ્રાની પત્ની વંદના મિશ્રા, દોઢ મહિના પહેલા કોરોના થયો હતો. ત્યારબાદ તેણીની સારવાર બાદ સાજી થઈ ગઈ હતી, પરંતુ શુક્રવારે મોડી સાંજે તેની તબિયત ફરી વકરી હતી, જ્યારે તેના પરિવારના સભ્યો તેને સર્વોદય નગરની રિજન્સી હોસ્પિટલમાં લઈ જતાં હતા, પરંતુ તેઓ ગોવિંદપુરી પુલ વચ્ચે ફઝલગંજ તરફ ટ્રાફિક જામમાં અટવાઈ ગયા હતા. લગભગ એક કલાક પછી, તેઓ ટ્રાફિક જામમાંથી પસાર થઈ હોસ્પિટલ પહોચ્યા હતા. પરંતુ હોસ્પિટલ પહોચતા જ ડોકટરે વંદના મિશ્રા ને મૃત જાહેર કર્યા હતા.

 

આ મામલે માહિતી મળ્યા બાદ પોલીસ કમિશનર અસીમ અરુણ અને ડીસીપી સાઉથ તેમના ઘરે પહોંચ્યા અને શોક વ્યક્ત કર્યો. પોલીસ કમિશનરે મૃતકના પતિને પૂછ્યું કે જામ ક્યાં અને કેટલા સમયથી થયો હતો. તે પછી, પોલીસ કમિશનર અસીમ અરુણે કાનપુર કમિશનરેટના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરીને કહ્યું કે હું કાનપુર સિટી પોલીસ અને વ્યક્તિગત રૂપે માફી માંગુ છું અને આઈઆઈએ પ્રમુખ વંદના મિશ્રાજીની મૃત્યુ માટે વ્યક્તિગત રૂપે પણ હું પરિવારની માફી માંગુ છું. આ ભવિષ્ય માટે એક મહાન પાઠ છે. અમે વચન આપીએ છીએ કે અમારી રૂટની વ્યવસ્થા એવી હશે કે નાગરિકોને ઓછામાં ઓછા સમય માટે અટકાવવામાં આવશે જેથી આવી ઘટનાઓ ફરીથી ન થાય.

 

રાષ્ટ્રપતિએ પણ વંદના મિશ્રાના અકાળ અવસાન પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે પોલીસ કમિશનર અને જિલ્લા મેજિસ્ટ્રેટને ફોન કરીને માહિતી વિશે પૂછપરછ કરી અને તેમનો સંદેશ શોકગ્રસ્ત પરિવાર સુધી પહોંચાડવા જણાવ્યું. બંને અધિકારીઓએ અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી અને શોક પામેલા પરિવારને રાષ્ટ્રપતિનો સંદેશ આપ્યો હતો.

(7:59 pm IST)