Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

મોટી દુર્ઘટના ટળી

દિલ્હીથી ગોવા જઇ રહેલી રાજધાની એકસપ્રેસ વહેલી સવારે રત્નાગિરી નજીક પાટા પરથી ઉતરી : જાનહાની નહીં

નવી દિલ્હી તા. ૨૬ : રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના હઝરત નિઝામુદ્દીનથી ગોવાના મડગાંવ જઈ રહેલી રાજધાની એકસપ્રેસ શનિવારે વહેલી સવારે રત્નાગિરી નજીકના કરબુદે ટનલમાં પાટા પરથી ઉતરી ગઈ હતી.

અધિકારીએ જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન કોઈ જાનહાની થઈ નથી. ટ્રેન પાટા પરથી ઉતરી તે સ્થળ મુંબઈથી ૩૨૫ કિમી દૂર છે. આ અકસ્માતને કારણે કોંકણ રેલ્વે માર્ગ ખોરવાઈ ગયો છે, જેના આધારે રેલવે સેવાને પુનર્સ્થાપિત કરવાનું કામ યુદ્ઘના ધોરણે ચાલી રહ્યું છે.

આ ઘટના આજે સવારે ૪.૩૦ વાગ્યાની આસપાસ બની હતી. ટ્રેન હઝરત નિઝામુદ્દીનથી મડગાંવ તરફ જઇ રહી હતી, ત્યારે રાજધાની એકસપ્રેસનું એન્જિન રસ્તામાં કરબુદે ટનલની અંદરથી પાટા પરથી ઉતરી ગયું હતું. આ ઘટના કારણે આ રેલ્વે પર ટ્રેનોની અવરજવર બંધ કરવી પડી હતી. તો ટ્રેનમાં પ્રવાસ કરી રહેલા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા અને મોટી હોનારત થતાં અટકી ગઈ હતી.

અકસ્માતની જાણકારી મળતાની સાથે જ કોંકણ રેલ્વેની સિસ્ટમ તાત્કાલિક ઘટના સ્થળે મોકલી દેવામાં આવી હતી અને એન્જિનને પાટા પર લાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ અકસ્માતને કારણે કોંકણ રેલ્વે લાઈન પર વિવિધ ટ્રેનોને વિવિધ સ્ટેશનો પર અટકાવી દેવામાં આવી છે.

કોંકણ રેલ્વેના જનસંપર્ક અધિકારી સચિન દેસાઇએ જણાવ્યું હતું કે સદનસીબે આ ઘટનામાં કોઈ મુસાફરોને ઇજા પહોંચી નથી અને તમામ મુસાફરો કોચમાં સલામત હતા. તેમણે જણાવ્યું હતું કે, આગામી કેટલાક કલાકોમાં રેલ્વે માર્ગ પૂર્વવત થઈ જશે.

(12:49 pm IST)