Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

૫ દિવસમાં બીજી વખત ૫૦ હજારથી ઓછા નવા કેસ નોંધાયા : ૨૪ કલાકમાં ૧૧૮૩ના મોત

છેલ્લા ૨૪ કલાકમાં ૪૮,૬૯૮ નવા કોરોનાના કેસ આવ્યા છે અને ૧૧૮૩ લોકોના મોત થયા છે : આ પહેલા ૨૧ જૂને ૪૩,૬૪૦ કેસ નોંધાયા હતા

નવી દિલ્હી તા. ૨૬ : ભારતમાં કોરાના સંક્રમણ મામલા છેલ્લા પાંચ દિવસમાં બીજી વખત ૫૦ હજારથી ઓછા કેસ નોંધાયા છે.   સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં ૪૮,૬૯૮ નવા કોરોનાના કેસ આવ્યા છે અને ૧૧૮૩ લોકોના મોત થયા છે. આ પહેલા ૨૧ જૂને ૪૩,૬૪૦ મામલા સામે આવ્યા હતા.  ગઈકાલે ૬૪,૮૧૮ લોકો કોરોનાથી ઠીક થયા હતા. એટલેક ૧૭,૩૦૩ એકિટવ કેસ ઘટી ગયા છે.

દેશમાં સતત ૪૪માં દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે. ૨૫ જૂન સુધી દેશભરમાં ૩૧ કરોડ ૫૦ લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે ૬૧ લાખ  ૧૯ હજાર લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં ૪૦ કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે ૧૭ લાખ જેટલા કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેનો પોઝિટિવીટી રેટ અંદાજે ૩ ટકા કરતાં વધારે હતો.

દેશમાં કોરોના વાયરસની સ્થિતિ કુલ કોરોના કેસ - ત્રણ કરોડ ૧ લાખ ૮૩ હજાર ૧૪૩, કુલ ડિસ્ચાર્જ - બે કરોડ ૯૧ લાખ ૯૩ હજાર ૮૫, કુલ એકિટવ કેસ - ૫ લાખ ૯૫ હજાર ૬૫૬, કુલ મોત - ૩ લાખ ૯૪ હજાર ૪૯૩, કોરોનાથી કુલ મોતમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે રહ્યું છે.

દેશમાં કોરોનાથી કુલ મૃત્યુ દર ૧.૨૯ ટકા છે જયારે રિકવરી રેટ અંદાજે ૯૬ ટકા છે. એકિટવ કેસ ઘઠીને ૩ ટકાથી ઓછો થયો છે. કોરના એકિટવ કેસના મામલે ભારત વિશ્વમાં ત્રીજા નંબર પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે ભારત બીજા સ્થાને છે. જયારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.

કોરોનાના ઘટતાં કેસની વચ્ચે લોકોએ બેદરકારી દાખવવાનું શરૂ કર્યુ છે. આ દરમિયાન નિષ્ણાતોએ ત્રીજી લહેરની ચેતવણી આપી છે. સ્વાસ્થ્ય વિભાગના નિષ્ણાતોની એક ટીમ સરવેમાં દેશમાં ઓકટોબર સુધીમાં એટલેકે તહેવારોના સમયમાં ત્રીજી લહેર આવવાની આશંકા વ્યકત કરી છે. તેમના કહેવા મુજબ આ લહેરમાં ભારતમાં આવેલી બીજી લહેરની સરખામણીએ વધુ નિયંત્રિત હશે, પરંતુ આ લહેરના કારણે દેશમાં કોરોના વધુ એક વર્ષ સુધી રહી શકે છે.

(11:47 am IST)