Gujarati News

Gujarati News

News of Friday, 26th June 2020

જમ્મુ-કાશ્મીરઃ ત્રાલમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણમાં એક આતંકી ઠાર

ગુરુવારે પણ ત્રાલમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી

શ્રીનગર, તા.૨૬: કોરોનાકાળમાં પણ આતંકીઓ પોતાની નાપાક હરકત છોડતા નથી જો કે સુરક્ષાદળો પણ આકરા પાણીએ છે અને તેમને જડબાતોડ જવાબ આપી રહ્યાં છે. જમ્મુ અને કાશ્મીરના ત્રાલમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ છે. આ અથડામણમાં એક આતંકી માર્યો ગયો.

જમ્મુ અને કાશ્મીર પોલીસે જાણકારી આપી હતી કે પુલવામા જિલ્લાના અવંતીપોરા વિસ્તારમાં ચેવા ઉલર (ત્રાલ)માં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ. આ અથડામણમાં એ આતંકી માર્યો ગયો છે. આતંકીની હજુ ઓળખ થઈ નથી. ઓપરેશન ચાલુ છે.

આ અગાઉ ગુરુવારે પણ ત્રાલમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ૨ આતંકીઓનો ખાતમો થયો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીર પોલીસને ગામમાં કેટલાક આતંકીઓ હોવાની બાતમી મળી હતી. ત્યારબાદ પોલીસ ૪૨ રાષ્ટ્રીય રાયફલ્સ અને સીઆરપીએફ દ્વારા કોર્ડન અને સર્ચ ઓપરેશન (CASO) શરૂ કરવામાં આવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે છૂપાયેલા આતંકીઓને આત્મસમર્પણની પૂરેપૂરી તક અપાઈ હતી. પરંતુ જયારે સેનાની જોઈન્ટ ટીમે સંદિગ્ધ સ્થળને ઘેર્યું તો છૂપાયેલા આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. જવાબી કાર્યવાહીમાં અથડામણ શરૂ થઈ ગઈ હતી. ગુરુવારે સેનાનું આ બીજુ ઓપરેશન હતું તે પહેલા પણ સોપોર જિલ્લાના બારામુલ્લાના હેંદશિવા ગામમાં થયેલી અથડામણમાં ૨ આતંકીઓ માર્યા ગયા હતાં.

(11:23 am IST)