Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

કૈલાશ વિજયવર્ગીયનો પુત્ર હવે જ્યુડિશિયલ કસ્ટડીમાં

અધિકારી સાથે મારામારી કરવાની સજા મળી : નગર નિગમના અધિકારીને બેટથી ફટકારવાનો મામલો

ઇન્દોર, તા. ૨૬  : ઇન્દોરમાંથી ભાજપના ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયની નગરનિગમના એક અધિકારી સાથે મારામારી કરવાના મામલામાં ધરપકડ કરી લેવામાં આવી છે. ઇન્દોરની એક અદાલતે આ મામલામાં સુનાવણી દરમિયાન આકાશની જામીન અરજીને ફગાવી દીધી હતી અને સાતમી જુલાઈ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. આકાશ વિજયવર્ગીય દ્વારા આજે સવારે નગર નિગમના એક અધિકારી પર બેટથી હુમલો કરી દીધો હતો. ઘટનાના વિડિયો સોશિયલ મિડિયા ઉપર વાયરલ થયા બાદ આકાશની સામે પોલીસે એફઆઈઆર દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. આકાશ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયના પુત્ર છે જે પ્રથમ વખત ધારાસભ્ય બન્યા છે. આજે સવારે ઇન્દોર નગર નિમગના કેટલાક અધિકારી શહેરમાં અતિક્રમણની સામે ઝુંબેશ ચલાવી રહ્યા હતા. આ ગાળા દરમિયાન વિવાદ થવાની સ્થિતિમાં સ્થાનિક ધારાસભ્ય આકાશ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેઓએ ક્રિકેટના બેટથી એક અધિકારી પર હુમલો શરૂ કરી દીધો હતો. વિડિયોમાં જોઇ શકાય છે કે, નગર નિગમના અધિકારી પર બેટથી અનેક વખત પ્રહાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ધારાસભ્યના સમર્થકોએ પણ અધિકારી સાથે મારામારી કરવામાં આવી હતી. તેમના કપડા ઉતારી લેવાના પ્રયાસ થયા હતા. જો કે, પોલીસે દરમિયાનગીરી કરીને સ્થિતિને સંભાળી લીધી હતી. આકાશ વિજયવર્ગીય અને નગર નિગમના કર્મચારીઓ દ્વારા પોતપોતાની રજૂઆત કરવામાં આવી હતી. આકાશની સાથે સાથે અન્ય ૧૦ લોકોની સામે પણ આઈપીસીની કલમ હેઠળ એફઆઈઆર દાખલ કરાઈ છે. આકાશે આક્ષેપ કર્યો છે કે, નિગમના અધિકારીએ મહિલાઓને ઘરમાંથી બહાર ખેંચી કાઢી હતી. આવી સ્થિતિમાં તેમની સાથે કોઇને રહેવાની જરૂર હતી.

(9:30 pm IST)