Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

સત્‍યેન્‍દ્ર જૈનને સુપ્રીમ કોર્ટમાંથી મળી રાહત : વચગાળાના જામીન મંજૂર

કોર્ટે મેડિકલ ગ્રાઉન્‍ડના આધારે ૪૨ દિવસ માટે જામીન આપ્‍યા

નવી દિલ્‍હી તા. ૨૬ : આમ આદમી પાર્ટીના નેતા સત્‍યેન્‍દ્ર જૈનને મોટી રાહત મળી છે.  સુપ્રીમ કોર્ટે AAPના નેતા સત્‍યેન્‍દ્ર જૈનને મેડિકલ ગ્રાઉન્‍ડના આધારે ૪૨ દિવસની જામીન આપવામાં આવ્‍યા છે. નોંધનીય છે કે સત્‍યેન્‍દ્ર જૈનની EDએ મની લોન્‍ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. હવે ૩૬૦ દિવસ પછી તેને જામીન આપવામાં આવ્‍યા છે.

સત્‍યેન્‍દ્ર જૈનને તિહાડ જેલના બાથરૂમમાં ચક્કર આવ્‍યા હતા અને તેઓ પડી ગયા હતા, જે બાયડ તેને હોસ્‍પિટલ લઈ જવામાં આવ્‍યા હતા. એમને ડીડીયુ હોસ્‍પિટલમાંથી દિલ્‍હીના એલએનજેપી હોસ્‍પિટલમાં શિફટ કરવામાં આવ્‍યા હતા જયાં એમને ઓક્‍સીજન પર રાખવામાં આવ્‍યા હતા.

સત્‍યેન્‍દ્ર જૈનની તબિયત બગડવાના સમાચાર આવ્‍યા બાદ દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્‍વીટ કર્યું હતું કે જે વ્‍યક્‍તિ જનતાને સારી સારવાર અને સારૂં સ્‍વાસ્‍થ્‍ય આપવા માટે દિવસ-રાત કામ કરી રહી હતી, આજે તે સારા વ્‍યક્‍તિને એક તાનાશાહ  મારી રહ્યો છે. તે તાનાશાહનો એક જ વિચાર છે - દરેકને સમાપ્ત કરવા માટે, તે ફક્‍ત હું' માં જ રહે છે. તે ફક્‍ત પોતાને જોવા માંગે છે. ભગવાન બધુ જોઈ રહ્યા છે, તે બધા સાથે ન્‍યાય કરશે. સત્‍યેન્‍દ્ર જીના ઝડપથી સાજા થવા માટે હું ભગવાનને પ્રાર્થના કરૂં છું. ભગવાન તેમને આ પ્રતિકૂળ સંજોગો સામે લડવાની શક્‍તિ આપે.

(4:15 pm IST)