Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

પોકસો એકટનો બાળકો, વડિલો અને સંતો વિરૂધ્‍ધ દુરૂપયોગ : ૧૧ લાખ સાધુ - સંતોની હાજરીમાં સંમેલન બોલાવી વિરોધ કરીશુ

મહિલા કુસ્‍તીબાજોના યૌન શોષણના આરોપોનો સામનો કરી રહેલ ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણસિંહનો આક્રોશ

નવી દિલ્‍હી તા. ૨૬ : મહિલા કુસ્‍તીબાજોના યૌન શોષણના આરોપોનો સામનો કરી રહેલ ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણસિંહે પોકસો એકટ મુદ્દે આક્રોશ ઠાલવ્‍યો છે.

મહિલા કુસ્‍તીબાજોના યૌન શોષણના આરોપોનો સામનો કરી રહેલા ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું છે કે પોક્‍સો એક્‍ટનો દુરુપયોગ થઈ રહ્યો છે.

તેમણે કહ્યું કે તે સંતોના નેતળત્‍વમાં સરકાર પર તેને બદલવા માટે દબાણ બનાવશે. બ્રિજભૂષણ શરણ સિંહ ૫ જૂને અયોધ્‍યામાં સંતોનું સંમેલન આયોજિત કરી રહ્યા છે. આની તૈયારીના સંબંધમાં તેમણે પત્રકારોને  પોક્‍સો  એક્‍ટના કથિત દુરુપયોગ વિશે જણાવ્‍યું. તેમણે દાવો કર્યો કે આ સંમેલનમાં ૧૧ લાખ સાધુ-સંતો ભાગ લેશે.

બ્રિજ ભૂષણ સિંહે કહ્યું કે પોક્‍સો એક્‍ટનો મોટા પાયે દુરુપયોગ થઈ રહ્યો છે. યુપીના કૈસરગંજના સાંસદ સિંહે કહ્યું કે, આ કાયદાનો બાળકો, વડીલો અને સંતો વિરુદ્ધ દુરુપયોગ થઈ રહ્યો છે. અધિકારીઓને પણ તેનો ભોગ બનવું પડે છે.અમે સંતો અને દ્રષ્ટાઓના નેતળત્‍વમાં સરકાર પર તેને બદલવા માટે દબાણ કરીશું. કોંગ્રેસ આ કાયદો લાવી હતી પરંતુ તેના પાસાઓને ધ્‍યાનમાં લેવામાં આવ્‍યા નહતા.

સિંહ સિવાય મહિલા કુસ્‍તીબાજો સાક્ષી મલિક, વિનેશ ફોગટ અને બજરંગ પુનિયા છેલ્લા એક મહિનાથી વધુ સમયથી દિલ્‍હીના જંતર-મંતર પર ધરણા પર બેઠા છે.

આ લોકોએ તેના પર સાત મહિલા કુસ્‍તીબાજોના જાતીય સતામણીનો આરોપ લગાવ્‍યો છે. એક પોક્‍સો એક્‍ટ હેઠળ અને બીજો મહિલાઓની છેડતીના આરોપમાં દિલ્‍હી પોલીસે સિંહ વિરુદ્ધ બે FIR નોંધી છે.

રેસલર ફેડરેશનના પ્રમુખ બ્રિજ ભૂષણે આ આરોપોને ખોટા ગણાવ્‍યા છે. હાલમાં રમત મંત્રાલયે ફેડરેશનની તમામ પ્રવળત્તિઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. મંત્રાલયે કહ્યું છે કે તપાસ પૂરી ન થાય ત્‍યાં સુધી તેની કોઈ પ્રવળત્તિ નહીં થાય.

(3:53 pm IST)