Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

દિવાળી વખતે રેડીમેડ ગાર્મેન્‍ટ્‍સ ૧૦% સસ્‍તામાં મળશે

કપાસના ભાવ ઘટવાથી રેડીમેડ વષાોના ભાવ ઘટશે : કોટનનો ભાવ ૫૯,૪૦૦ પ્રતિ કેન્‍ડીથી ઘટીને ૫૬,૨૦૦ પર આવી ગયો : યાર્નનો ભાવ પણ હાલમાં ઘટીને ૨૪૫ રૂપિયા પ્રતિ કિલો પર આવી ગયો છે

નવી દિલ્‍હી,તા. ૨૬ : કોટનના ભાવમાં છેલ્લા એક અઠવાડિયામાં મોટો ઘટાડો થવાના કારણે આગામી સમયમાં રેડીમેડ કપડાંના ભાવમાં લગભગ ૧૦ ટકાનો ઘટાડો થવાનો અંદાજ છે. છેલ્લા એક સપ્તાહમાં કપાસનો ભાવ પ્રતિ કેન્‍ડી ૩૦૦૦ રૂપિયા જેટલો ઘટ્‍યો છે. એક્‍સપર્ટ્‍સ માને છે કે કોટન સસ્‍તું થવાના કારણે ડોમેસ્‍ટિક માર્કેટમાં તેની માંગ વધશે અને ભારતીય કોટન યાર્ન ઉત્‍પાદકોની સ્‍પર્ધાત્‍મકતામાં વધારો થવાની શક્‍યતા છે. આ ઉપરાંત કપાસ સસ્‍તું થવાના કારણે રેડીમેડ ગારમેન્‍ટના ભાવ પણ ઓછામાં ઓછા ૧૦ ટકા સુધી ઘટશે તેમ માનવામાં આવે છે.

ગુજકોટ એસોસિયેશનના જણાવ્‍યા પ્રમાણે ૧૯ મેએ કોટનનો સરેરાશ ભાવ ૫૯,૪૦૦ રૂપિયા પ્રતિ કેન્‍ડી (૩૫૬ કિલો) હતો. પરંતુ ત્‍યાર પછી તે ઘટીને ૫૬,૨૦૦ રૂપિયા પર આવી ગયો હતો. સ્‍પિનર્સ એસોસિયેશન ગુજરાતના વાઈસ પ્રેસિડન્‍ટ જયેશ પટેલે જણાવ્‍યું કે, ‘ઈન્‍ટરનેશનલ માર્કેટના ભાવ કરતા ભારતીય કોટનનો ભાવ વધારે છે. તેના કારણે માંગ ઘટી છે. કોટનનો ભાવ વધશે તેમ માનીને ખેડૂતોએ કપાસનો જથ્‍થો હોલ્‍ડ કરી રાખ્‍યો હતો, પરંતુ હવે તેઓ કપાસનું વેચાણ કરી રહ્યા છે. તેના કારણે સેલિંગનુ પ્રેશર આવ્‍યું છે અને કોટનના ભાવમાં મોટો ઘટાડો થયો છે.' તેમ ટાઇમ્‍સ ઓફ ઇન્‍ડીયા જણાવે છે.

તેઓ કહે છે કે, ‘યાર્નનો ભાવ પણ હાલમાં ઘટીને ૨૪૫ રૂપિયા પ્રતિ કિલો પર આવી ગયો છે. અમને આશા છે કે સ્‍થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં ડિમાન્‍ડમાં વધારો થશે. આ ઉપરાંત દિવાળીની સિઝનમાં ગ્રાહકોને પણ સસ્‍તા ભાવે રેડીમેડ કપડાં ખરીદવાની તક મળશે.'

પાવરલૂમ ડેવલપમેન્‍ટ એન્‍ડ એક્‍સપોર્ટ પ્રમોશન કાઉન્‍કિલના ભૂતપૂર્વ ચેરમેન ભારત છાજેરે જણાવ્‍યું કે લાંબા સમય સુધી ૬૦,૦૦૦ રૂપિયાના એવરેજ ભાવે રહ્યા પછી કોટનનો ભાવ ઘટીને ૫૬,૦૦૦ રૂપિયાના સ્‍તરે પહોંચી ગયો છે. તેના કારણે દિવાળી વખતે ગારમેન્‍ટના ભાવમાં ૧૦દ્મક ૧૫ ટકા સુધી ઘટાડો થઈ શકે છે.

ક્‍લોથિંગ મેન્‍યુફેક્‍ચરર્સ એસોસિયેશન ઓફ ઈન્‍ડિયાના ચીફ મેન્‍ટર રાહુલ મહેતાએ જણાવ્‍યું કે, ‘છેલ્લા એક અઠવાડિયામાં કોટનના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે. તેના કારણે આગામી દિવાળીની સિઝન વખતે ગારમેન્‍ટના ભાવને અસર થવાની શક્‍યતા છે. સામાન્‍ય રીતે એપ્રિલ અને મે મહિનામાં ઓર્ડર આપવામાં આવતા હોય છે. અમને આશા છે કે પ્‍યોર કોટનના કપડાં ઓછામાં ઓછા ૭ ટકા સસ્‍તા થશે. મસ્‍કતી ક્‍લોથ માર્કેટ મહાજનના પ્રેસિડન્‍ટ ગૌરાંગ ભગતે જણાવ્‍યું કે નીચા ભાવ અને તહેવારની મજબૂત ડિમાન્‍ડની અપેક્ષા રાખીને ટ્રેડર્સ ઓર્ડર આપવાનું શરૂ કરશે.'

(3:52 pm IST)