Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

ત્રીજી વાર પીએમ બનશે મોદી : ૩૦૦ કરતા વધારે બેઠકો જીતશે ભાજપ

ગૃહમંત્રી શાહનો મોટો દાવો : કોંગ્રેસને હાલ કરતા પણ ઓછી બેઠક મળશે

નવી દિલ્હી તા. ૨૬ : લોકસભાની ચૂંટણીને બરાબર એક વર્ષની વાર છે. મે ૨૦૨૪માં દેશમાં લોકસભાની ચૂંટણી થશે પરંતુ પહેલા નરેન્દ્રભાઇ મોદીના ત્રીજી વાર પીએમ બનવાની ચર્ચા શરૂ થઈ છે. ગઈ કાલના એક સર્વમાં પણ નરેન્દ્રભાઇ મોદીને ત્રીજી વાર સત્તા મળશે તેવું કહેવાયું હતું અને હવે અમિત શાહે પણ આવો જ દાવો કર્યો છે.

આસામમાં જનસભાને સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ૨૦૨૪માં લોકસભા ચૂંટણી બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનશે. અમિત શાહે પણ પોતાની રેલીમાં દાવો કર્યો છે કે કોંગ્રેસ આ વખતે પોતાની વર્તમાન સીટોથી ઓછા આંકડા સુધી પહોંચશે.

અમિત શાહે પોતાના ભાષણમાં કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે કોંગ્રેસ ખૂબ જ નકારાત્મક વલણની રાજનીતિ કરે છે. તેમણે કહ્યું છે કે કોંગ્રેસ આ નકારાત્મક વલણ સાથે નવા સંસદ ભવનના ઉદ્ઘાટન કાર્યક્રમનો બહિષ્કાર કરી રહી છે. તેમણે પોતાના ભાષણમાં કહ્યું હતું કે, આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ દેશભરમાં ૩૦૦થી વધુ બેઠકો જીતશે અને કોંગ્રેસ પણ વિપક્ષી દળનો દરજ્જો ગુમાવશે. શાહે યાદ અપાવ્યું કે કોંગ્રેસના વડા પ્રધાનને સંસદમાં બોલવાની મંજૂરી નથી. ભારતીય લોકોએ પીએમ મોદીને આ અધિકાર આપ્યો છે. વડાપ્રધાનને માન ન આપીને તેઓ જનતાના નિર્ણયનું અપમાન કરી રહ્યાં છે. અમિત શાહે કહ્યું કે ભાજપે આસામની જનતાને વાયદો કર્યો હતો કે ૨૦૨૧ની વિધાનસભા ચૂંટણી પહેલા સરકાર ૧ લાખ સરકારી નોકરી આપશે. માત્ર અઢી વર્ષમાં સરકારે ૮૬ હજાર સરકારી નોકરીઓ આપી છે. બાકીની નોકરીઓ આગામી ૬ મહિનાની અંદર આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ગઈ કાલના એક સર્વેમાં પણ દાવો કરાયો હતો કે લોકો નરેન્દ્ર મોદીને ત્રીજી વાર પીએમ બનતાં જોવા માગે છે. એટલે કે ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપની જીતનું અનુમાન વ્યકત કરાયું હતું.

(10:50 am IST)