Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

મુસ્લિમો ભાજપને હરાવેઃ જમિયત ઉલેમા હિંદની હાકલ

મૌલાના સિદ્દીકી કહે છે મોદી સરકારથી આખો દેશ અને રાજકારણીઓ પરેશાન-દુઃખી !! ભાજપ કાંઈ ઉકાળે એવું નથી લાગતું: કાલે ઉ.પ્ર.ના કૈરાના લોકસભાની બેઠક માટે મતદાન પૂર્વે વિસ્ફોટઃ ભાજપ ફૂંકી ફૂંકીને ચાલે છે

નવી દિલ્હી, તા. ૨૬ :. ઉત્તર પ્રદેશના કૈરાનામાં ૨૮ મેએ પેટા ચૂંટણી માટે મતદાન થવાનું છે. ફુલપુર અને ગોરખપુરમાં હારી ચુકેલી ભાજપા અહીંયા ફુંકી ફુંકીને આગળ વધી રહી છે. જ્યારે વિપક્ષો ભાજપા હારશે તેવો દાવો કરી રહ્યા છે. આ દરમિયાન કૈરાના પેટાચૂંટણી માટે જમિયત ઉલેમા હિંદે મુસ્લિમોનોને મોદી વિરૂદ્ધ મતદાન કરવાની અપિલ કરી છે. કૈરાનામાં મતદાનના એક દિવસ પહેલા જ કૈરાનાની બાજુમાં આવેલ બાગપતમાં વડાપ્રધાન મોદી એક રેલી કરવાના છે.

જમિયત ઉલેમાએ હિંદના મૌલાના હસીબ સિદ્દીકીએ કહ્યું કે મોદી સરકારથી આખુ હિન્દુસ્થાન અને રાજકારણીઓ પરેશાન અને દુઃખી છે. ભાજપા સરકાર દેશના બધા લોકોને ફાયદો થાય તેવું કરે તેવી કોઈ આશા નથી, એટલે જ વિરોધ પક્ષોએ જે પ્લેટફોર્મ બનાવ્યુ છે તે સારી બાબત છે.

તેમણે કહ્યું કે, એટલે જ જ્યાં પણ ચૂંટણી ચાલે છે અથવા થવાની છે ત્યાંની જનતા પોતાના મતનો વધારેમાં વધારે ઉપયોગ કરે. જેથી ભાજપા ઓછા મતદાનનો લાભ લઈને જીતી ન જાય, એટલે મારી લોકોને અપિલ છે કે વધુમાં વધુ મતદાન કરીને દેશને આગળ લાવવામાં મદદ કરે. મુસ્લિમ લોકો પણ રમજાન મહીનો અને ગરમી હોવા છતાં પણ મતદાન કરે.

કૈરાનામાં ભાજપા સાંસદ હુકુમસિંહના મૃત્યુ પછી પેટાચૂંટણી થઈ રહી છે. ભાજપાએ હુકુમસિંહની પુત્રી મૃગાંકાસિંહને મેદાનમાં ઉતારી છે તો વિપક્ષ તરફથી આર.એલ.ડી.ની ટીકીટ પર તબસ્સુમ ચૂંટણી લડી રહી છે. મૌલાના હસીલ સિદ્દીકીએ કહ્યું કે હુકુમસિંહની દિકરી આજે તબસ્સુમ સામે ઉભી છે. આપણે ધ્યાન રાખવાનું છે કે તે ભાજપાની ઉમેદવાર છે અને તેને હરાવવાની છે. ભાજપાને નકારવા માટે મુસ્લિમોએ તબસ્સુમને મત આપવો જોઈએ.

કૈરાના લોકસભા બેઠકમાં લગભગ સાડા પંદર લાખ મતદારો છે. જેમાં ૫ લાખ મુસ્લિમ, ૨ લાખ દલિત અને પોણા બે લાખ જાટ છે. ભાજપા વિરૂદ્ધ એક થયેલું ગઠબંધન આ સમીકરણ ઉપર જ રમી રહ્યુ છે. બીજી બાજુ ભાજપાને આશા છે કે, બાકી વધેલા પોણા સાત લાખ હિંદુ મત તેમને જ મળશે. અહીં ૨૮ મે એ મતદાન અને ૩૧ મે એ મત ગણત્રી થવાની છે.

(11:55 am IST)