Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

સીએમ કેજરીવાલને દિવસમાં બે વાર અપાય છે ઇન્સ્યુલિન :તબીબો રાખી રહ્યા છે તેમના સ્વાસ્થ્ય પર નજરઃ તિહાર જેલ

સુગર લેવલ વધવાના કિસ્સામાં, કોર્ટના આદેશ પર 5 સભ્યોના મેડિકલ બોર્ડની રચના કરી જેણે તેને આગામી 5 દિવસ માટે દિવસમાં બે વખત ઓછી માત્રામાં ઇન્સ્યુલિન આપવાનું સૂચન કર્યું હતું.

નવી દિલ્હી : દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ એક્સાઇઝ પોલિસીમાં કથિત કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તિહાર જેલમાં બંધ છે. તેમના સ્વાસ્થ્ય અને વધતા સુગર લેવલને લઈને કોર્ટના આદેશ પર 5 સભ્યોના મેડિકલ બોર્ડની રચના કરવામાં આવી હતી, જેણે આગામી 5 દિવસ સુધી તિહાર જેલમાં અરવિંદ કેજરીવાલને દિવસમાં બે વખત લો ડોઝ ઈન્સ્યુલિન આપવાનું સૂચન કર્યું છે.

  સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર મેડિકલ બોર્ડ 5 દિવસ પછી સુગર લેવલની તપાસ કરશે. AIIMSના ડિરેક્ટર દ્વારા રચવામાં આવેલા બોર્ડમાં એન્ડોક્રિનોલોજિસ્ટ અને ડાયાબિટોલોજીસ્ટનો સમાવેશ થાય છે

   તિહાર જેલ પ્રશાસનના જણાવ્યા અનુસાર, એમ્સના ડૉક્ટરોની સલાહ પર કેજરીવાલને સોમવારે સાંજે ઇન્સ્યુલિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમનું શુગર લેવલ 217 પર પહોંચી ગયું હતું. હવે મેડિકલ બોર્ડે આગામી 5 દિવસ સુધી ડોઝ ચાલુ રાખવાની સલાહ આપી છે. તેને દિવસમાં બે વાર લંચ અને ડિનર પહેલાં લો ડોઝ ઇન્સ્યુલિન આપવામાં આવે છે. તિહારના ડોક્ટરો દ્વારા તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી રહી છે. તેમને ઘરે બનાવેલું ભોજન અને ડોકટરો દ્વારા સૂચવવામાં આવેલી દવાઓ આપવામાં આવી રહી છે.

    આ પહેલા આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે કેજરીવાલ છેલ્લા 30 વર્ષથી ડાયાબિટીસના દર્દી છે. 12 વર્ષથી ઇન્સ્યુલિન લે છે. તિહાર જેલમાં રોકાણ દરમિયાન કેજરીવાલનું શુગર લેવલ 300થી ઉપર ગયું હતું. ઇન્સ્યુલિનની જરૂર હતી પરંતુ કેજરીવાલની માંગ છતાં તેમને ઇન્સ્યુલિન આપવાની ના પાડીને તેમની હત્યા કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. 

   મામલો કાયદાના ઉંબરે પહોંચ્યો હતો. રાઉઝ એવન્યુ કોર્ટના સ્પેશિયલ જજ કાવેરી બાવેજાએ કેસની સુનાવણી કરી અને મેડિકલ બોર્ડની રચના કરવાનો નિર્દેશ આપ્યો. સુનાવણી દરમિયાન, કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ તેમને ઇન્સ્યુલિન આપવા અને અઠવાડિયામાં બે વાર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કેજરીવાલના ડૉક્ટરની સલાહ લેવાની મંજૂરી આપવા વિનંતી કરી હતી

(12:25 am IST)