Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

અઝાન દરમિયાન લાઉડસ્પીકર પર ગીતો વગાડનારા પીએસઆઈ સામે ફરિયાદ નોંધાઈ

પીએસઆઈ ગડપ્પા સાંજની નમાજ દરમિયાન લાઉડસ્પીકર પર ગીત વગાડતા હોઈ સ્થાનિકોની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરીઃમહારાષ્ટ્રના સતારાનો ચર્ચાસ્પદ બનાવ

ઔરંગાબાદ,તા.૨૬ : તારા પોલીસ સ્ટેશન વિસ્તારના પરિસર ખાતે આઝાન દરમિયાન રેલવે પોલીસમાં ફરજ બજાવતા પીએસઆઈને લાઉડસ્પીકર પર ગીતો વગાડવાનું મોંધુ પડ્યું હતું. શહેરના સીપી ડો. નિખિલ ગુપ્તાએ આકરી કાર્યવાહી કરીને પીએસઆઈ વિરુદ્ધ સતારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવા આદેશ કર્યો છે. ત્યારબાદ આરોપી પીએસઆઈ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીની ઓળખ કિશોર ગડપ્પા મલ્કુનાઈક કરવામાં આવી છે. જે રેલવે પોલીસમાં ફરજ બજાવે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપી પીએસઆઈ મલ્કુનાઈક સતારા પરીસરના અમૃતસાઈ બિલ્ડિંગમાં રહે છે. આ બિલ્ડિંગની પાછળ એક મસ્જિદ છે. શનિવારે સાંજે અઝાનના સમયે આરોપી પીએસઆઈ ગડપ્પાએ લાઉડસ્પીકર લગાવીને મોટા અવાજથી ગીત વગાડ્યું હતું. આ ઘટનાને લઈને પરીસરના નાગરિકોએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદના આધારે સતારા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સોનવણે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે, પીએસઆઈ ગડપ્પા સાંજની નમાજ દરમિયાન લાઉડસ્પીકર પર ગીત વગાડી રહ્યા હતા. ત્યારબાદ પોલીસે ગડપ્પા મલ્કુનાઈક વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે, નમાજ દરમિયાન પીએસઆઈના ગીતો વગાડવાને કારણે તણાવ સર્જાયો હોઈ શકે છે. આ ઘટનાની માહિતી શહેરના સીપી ડો. નિખિલ ગુપ્તાને મળી હતી અને આરોપી પીએસઆઈ ગડપ્પા વિરુદ્ધ મહારાષ્ટ્ર પોલીસ એક્ટ, ૧૯૫૧ની કલમ ૩૭/૧ અને ૩નું ઉલ્લંઘન કરવા બદલ કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો.

 

(7:55 pm IST)