Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

એકલા જ ધરણાં પર બેઠા રહ્યા નવજોત સિધ્‍ધુ

મોટા નેતાઓ ફરકયા પણ નહીં, પંજાબ કોંગ્રેસમાં હાર પછી પણ તડા

ચંદીગઢઃ પંજાબ વિધાનસભામાં કારમી હાર પછી પણ કોંગ્રેસની રાજય નેતાગીરીમાં ડખા ચાલુ જ છે. સોમવારે નવજોત સિંહ સિધ્‍ધુએ રાજપુરામાં વીજ કાપ સહિતના ઘણાં મુદાઓ પર ધરણાં કર્યા હતા પણ તેઓ એકલા પડી ગયા હોય તેવું દેખાયુ. કોંગ્રેસ નેતાના આ ધરણામાં પક્ષના મોટા ભાગના લોકો નહોતા આવ્‍યા. વર્તમાન ધારાસભ્‍ય અને નવા નિમાયેલ પ્રદેશ અધ્‍યક્ષ અમરિંદર રાજા વારીંગની ટીમના કોઇ નેતા પણ ન્‍હોતા આવ્‍યા. આ નેતાઓનું  કહેવુ હતું કે આ ધરણા પક્ષના આદેશ પર નહોતા, સિધ્‍ધુએ તેનું આયોજન કર્યુ હતુ એટલે ત્‍યાં જવાનું તેમને યોગ્‍ય નહોતુ લાગ્‍યું.

આ ધરણા નવજોત સિંહ સિધ્‍ધુના ખાસ અને રાજપુરાના ભૂતપૂર્વ ધારાસભ્‍ય હરદયાલ કમ્‍બોજે આયોજીત કર્યા હતા. આ ધરણાને સિધ્‍ધુએ સંબોધિત કર્યુ અને ઘણીવાર સુધી બેઠા રહ્યા હતા. તેમના સિવાય થોડાક જ કોંગ્રેસી ધરણામાં દેખાયા હતા. ખાસ કરીને સીનીયર નેતાઓએ તો અંતર રાખ્‍યુ જેથી તેમના પર પાર્ટી લાઇનથી અલગ જવાનો આક્ષેપ ના લાગે. રાજપુરા પટીયાલામાં આવે છે પણ પટીયાલાના નેતાઓ પણ નહોતા દેખાયા. રવિવારે પ્રદેશ કોંગ્રેસ કમીટીના વડા અમરિંદર રાજા વારીંગે પહેલાથી જ ધરણાથી દૂર રહેવાના સંકેત આપી દીધા હતા.

ઉલ્લેખનિય છે કે નવજોતસિંહ સિધ્‍ધુએ ચુંટણીમાં કારમી હાર પછી સોનિયા ગાંધીના આદેશ પર પોતાના હોદા પરથી રાજીનામું આપ્‍યુ હતું. જો કે કે પછી પણ તેઓ સતત પોતાના તરફથી નિર્ણયો લઇ રહ્યા છે. ઘણીવાર તેઓ પોતાની રીતે આપ સરકારના વિરોધમાં ધરણા કરી ચૂકયા છે. તેમના આ નિર્ણયોને પણ અશિસ્‍ત ગણવામાં આવી રહી છે.

(2:27 pm IST)