Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

જેટના ધબડકાથી ટ્રાવેલ્સ ઉદ્યોગ પર માઠી અસર

ટુર ઓપરેટરોની આવકમાં રપ ટકાનો ઘટાડો

અમદાવાદ, તા. ર૬ : ડોકટર કમલેશ પટેલે આવતા મહીને અમદાવાદથી ફ્રાન્સ અને સ્વીત્ઝરલેન્ડની ટુરમાં જવાનું આયોજન કર્યું હતું અને તેણે પોતાના પ્રવાસ માટે જેટ એરવેઝમાં પોતાની ટીકીટ બુક કરાવી હતી, પરંતુ જેટ એરવેઝે પોતાની ફલાઇટો ટેમ્પરરી કેન્સલ કરી હોવાથી તેમને પોતાનો પ્રવાસ કેન્સલ કરવાની ફરજ પડી છે.

ડો. પટેલ કહે છે 'મેં મારી રીટર્ન ટીકીટ લગભગ પ૦૦૦૦ રૂપિયામાં બુક કરાવી હતી, પણ હવે તેનો ભાવ ૧ લાખ રૂપિયા થઇ ગયો છે કેમ કે જેટ એરવેઝે પોતાની ફલાઇટો કેન્સલ કરી હોવાથી બીજી એરલાઇન્સો તેનો લાભ લઇ રહી છે તેથી મેં હવે તે પ્રવાસે જવાનું કેન્સલ કર્યું છે.'

ટુર ઓપરેટર્સ એન્ડ ટ્રાવેલ એજન્ટસ એસોસીએશન ઓફ ગુજરાતના સેક્રેટરી અનુજ પાઠક કહે છે કે કુટુંબ સહિત રજાઓ ગાળવા માટે દેશમાં અથવા વિદેશમાં જવાનું તથા વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે જવા માટે ઉનાળો એ બહુ મહત્વની સીઝન છે. ટ્રાવેલ ઓપરેટરો માટે ઉનાળો કમાણીની ઋતુ ગણાય છે, પણ જેટ એરવેઝની ફલાઇટો કેન્સલ થવાથી બીજી એરલાઇન્સોના ભાડામાં આવેલા ઉછાળાના કારણે પ્રવાસીઓ પોતાનો પ્રવાસ કેન્સલ કરાવી રહ્યા છે. આના લીધે ટ્રાવેલ્સ  ઉદ્યોગને આ વર્ષે લગભગ રપ ટકા જેટલુ નુકસાન થવાની શકયતાઓ છે.

પેકેજ ટુરના ઓપરેટરો માટે મુશ્કેલી એ થઇ છે કે તેમણે બુક કરાવેલી ફલાઇટ ટીકીટોના રીફંડ તેમને હજુ મળ્યા નથી અને નવી ફલાઇટના ભાડામાં ઉછાળો આવ્યો છે. ઉપરાંત પ્રવાસીઓ નક્કી કરેલી રકમથી વધુ પૈસા આપવાની ના પાડી રહ્યા છે.

(3:39 pm IST)