Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

ભાજપાએ ૯૬ સંસદ સભ્યો પર ન મુકયો વિશ્વાસ

સુરક્ષિત બેઠકો પર ૪૦ ટકા ઉમેદવારો બદલાવ્યા ગુજરાતમાં ૧૦ બેઠકો પર ઉમેદવારો બદલાયા

નવી દિલ્હી તા. ર૬ :.. સાંસદો વિરૂધ્ધ પ્રજાની નારાજીની અસર ચૂંટણી પરિણામો પર ન પડે તે માટે ભાજપાએ સુરક્ષિત બેઠકો પર નબળા સાંસદો વિરૂધ્ધ મોટી સર્જીકલ સ્ટ્રાઇક કરી છે. પક્ષે ગઇચૂંટણીમાં સુરક્ષિત બેઠકો પર જીતેલા સાંસદોમાંથી ૪૦ ટકાને આ વખતે તક નથી આપી. પહેલી વાર સૌથી વધુ બેઠકો (૪૩૭) પર ચૂંટણી લડનાર પક્ષે બળવાખોરો, ધરડાઓ સહિત ૯૬ સાંસદોને ટીકીટ નથી આપી.

જેમાં ગુજરાતમાં રપ માંથી ૧૦, યુપીની ૭૧ માંથી ર૦, છત્તીસગઢની ૧૦ માંથી ૧૦ અને આસામમાં ૭ માંથી પ ઉમેદવારો ટીકીટ મેળવવામાં નિષ્ફળ રહ્યા હતાં. ઉલ્લેખનીય છે કે લોકસભામાં અનામત બેઠકોની સંખ્યા ૧૩૧ છે (૮૪ એસસી અને ૪૭ એસટી) ગઇ ચૂંટણીમાં ભાજપાના આમાંથી ૬૭ બેઠકો મળી હતી. આ ચૂંટણીમાં ભાજપાએ તેમાંથી ર૭ ઉમેદવારો બદલી નાખ્યા છે.

શરૂઆતથી જ પક્ષો પ્રભાવ અનામત બેઠકો પર રહેલો છે. આ પ્રભાવ પક્ષની સ્થાપના પછી સતત વધતો રહ્યો છે. પક્ષ નથી ઇચ્છતો કે સાંસદો પ્રત્યેની નારાજગીની અસર ચૂંટણીના પરિણામો પર પડે. આંતરિક રિપોર્ટમાં પણ અનામત બેઠકોના સાંસદો વિરૂધ્ધ જ સૌથી વધારે નારાજગી બહાર આવી હતી. આજ કારણે ટીકીટ મેળવવામાં નિષ્ફળ જનાર ઉમેદવારોમાં સૌથી વધારે સાંસદો અનામત બેઠકના જ હતાં.

(11:26 am IST)