Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

મુંબઈ હાઇકોર્ટે આવકવેરા વિભાગને ફટકાર્યો દંડ :રકમ કરદાતાને ચૂકવવા આદેશ

કરદાતાના બેંક ખાતા કામચલાઉ ધોરણે ટાંચમાં લેવાનો આદેશ બાદ અદાલતી કાર્યવાહી

મુંબઈ હાઈકોર્ટે આવકવેરા વિભાગ ઉપર.૫૦,૦૦૦નો દંડ ફટકાર્યો છે.આ દંડ વિભાગે કરદાતાને ચુકવવાનો રહેશે એમ પણ કોર્ટે ચુકાદામાં જણાવ્યું છે.

  વર્ષ ૨૦૧૬-૧૭ના આવકવેરાની સંભાવિત માંગ માટે આવક વેરા વિભાગે મુંબઈના એક કરદાતાના બેંક ખાતા કામચલાઉ ધોરણે ટાંચમાં લેવાનો આદેશ કર્યો હતો. કરદાતાના રીટર્નની તપાસ કરી રહેલા અધિકારીએ આ ટાંચ અંગે બેંકને લેખિતમાં જાણ કરી હતી અને આદેશ આપ્યો હતો કે બેંકના ખાતામાં રહેલી રકમ આવકવેરા વિબાગને ચૂકવી દેવામાં આવે. આ નોટીસમાં તા.૧૮ ડીસેમ્બરના એક અન્ય આદેશની જાણ પણ કરવામાં આવી હતી.

  મુંબઈ હાઈકોર્ટની જસ્ટીસ અકીલ કુરેશી અને જસ્ટીસ સંક્લેચાની બેન્ચે નોંધ કરી હતી કે અધિકારીએ તા.૧૧ ફેબ્રુઆરીએ આદેશ કર્યો હતો જે કરદાતાને તા.૧૯ ફેબ્રુઆરીએ સાંજે છ વાગ્યા પછી આવકવેરા ટ્રીબ્યુનલમાં સુનાવણી પછી મળ્યો હતો.

  સરકારી અધિકારી પાસેથી આ રીતે કામગીરીની અપેક્ષા રાખી શકાય નહિ. એવું લાગી રહ્યું છે કે કરદાતાને જે સંદેશ મોકલવામાં આવ્યો છે તે સંદેશને તે પડકારી શકે નહિ એ માટેની યોજના ઘડવામાં આવી છે. કરદાતા કોઈ પગલું ભરે એ પહેલા જ વિભાગના આદેશ અનુસાર બેન્કે ખાતા ટાંચમાં લઇ લીધા હતા," એમ બેન્ચે પોતાના હુકમમાં નોંધ્યું છે.

  કરદાતાને આ રીતે હેરાન કરવાના આશયથી જ આવકવેરા વિભાગે પગલું લીધું છે અને તેની પરેશાની માટે તેમણે ઓર્ડરના ચાર સપ્તાહમાં રૂ.૫૦,૦૦૦ની રકમ કરદાતાને ચૂકવવી પડશે એમ મુંબઈ હાઈકોર્ટે આદેશ કર્યો છે.

  કોર્ટે પોતાના આદેશમાં વધુમાં નોંધ્યું છે, સરકારની દ્રષ્ટિએ કાયદો બધા માટે સમાન છે. સરકારી અધિકારીએ પણ પોતાની કરની આવક એકત્ર કરવામાં વધુ પડતો ઉત્સાહ દાખવી એવું પગલું ભર્યું છે કે તેનાથી કાયદાનું ઉલ્લંઘન થાય છે.

 અરજદાર માટે આવકવેરા વિભાગે કોઈ અલગ જ કાયદાનો અમલ કરી નિર્ણય લીધો છે. કાયદો બધાને સરખું રક્ષણ આપે છે અને તે માટે કાયદાનો અમલ પણ એક સમાન થવો જોઈએ જે આ કેસમાં થયું નથી. કાયદાને કોરાણે મૂકી વધારે કરની આવક એકત્ર કરી શકાય નહિ," એમ કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું છે.

(11:14 am IST)