Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

મુરલી મનોહરને ટિકીટ નહિ અપાતા આગબબૂલા

પક્ષની ઓફિસે આવી, ચૂંટણી નહિ લડે, તેવી જાહેરાત કરવાની વિનંતી પણ ફગાવી દીધી : પક્ષના આ સંસ્કાર નથી : કમ સે કમ પક્ષ પ્રમુખ અમિતભાઇ શાહે આવીને મને આ જાણ કરવી જોઇતી હતી

નવી દિલ્હી તા. ૨૬ : લોકસભા ચૂંટણી ૨૦૧૯ની તમામ પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. ૨૦૧૯ની જીત સુનિશ્ચિત કરવા માટે ભાજપ વિચારી-વિચારીને ઉમેદવારોને ટિકિટ આપી રહ્યું છે. પરંતુ તેના લીધે ભાજપના દિગ્ગજ જ પાર્ટીથી નારાજ થઇ ગયા છે. કહેવાય છે કે લાલ કૃષ્ણ અડવાણીની જેમ જ ભાજપે વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીને ટિકિટ આપવાની ના પાડવાનું મન બનાવ્યું છે. જયારે પાર્ટીની તરફથી સંગઠન મહાસચિવ રામલાલે તેમને આ વાતની માહિતી આપી તો તેઓ નારાજ થઇ ગયા છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ગઇકાલે ભાજપના સંગઠન મહાસચિવ રામલાલે મુરલી મનોહર જોશી સાથે મુલાકાત કરી હતી. રામલાલે મુરલી મનોહર જોશીને કહ્યું કે પાર્ટીએ નક્કી કર્યું છે કે તમને ચૂંટણી લડાવામાં આવશે નહીં. રામલાલે કહ્યું કે પાર્ટી ઇચ્છે છે કે તમે પાર્ટી ઓફિસ આવી ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરો.

જો કે પાર્ટીની આ અપીલને મુરલી મનોહર જોશી એ સીધી રીતે નકારી દીધી. જોશી એ કહ્યું કે આ પાર્ટીના સંસ્કાર નથી, જો મને ચૂંટણી ના લડાવાનો નિર્ણય લેવાયો છે તો કમ સે કમ પાર્ટી અધ્યક્ષ અમિત શાહે અમને આવી જણાવું જોઇએ. મુરલી મનોહર જોશીએ સ્પષ્ટ કહ્યું છે કે તેઓ પાર્ટી ઓફિસ આવીને તેની જાહેરાત કરશે નહીં તેમ સૂત્રોએ જણાવ્યું છે.

આની પહેલાં ભાજપે લાલકૃષ્ણ અડવાણીની ગાંધીનગરથી ટિકિટ કાપતા વિવાદ થયો હતો. ગાંધીનગરથી હવે ભાજપ અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડી રહ્યાં છે. અડવાણીની ટિકિટ કાપતા શત્રુઘ્ન સિન્હા સહિત કોંગ્રેસના નેતાઓએ પણ પ્રશ્ન ઉભો કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે આની પહેલાં પણ રામલાલે જ લાલકૃષ્ણ અડવાણી, કલરાજ મિશ્રા સાથે મુલાકાત કરી અને શાંતા કુમાર, કરિયા મુંડા સાથે ફોન પર વાત કરીને તેને ટિકિટ ના આપવાનો નિર્ણય અંગે માહિતી આપી હતી. ત્યારે પણ રામલાલે આ નેતાઓને સૂચિત કર્યા હતા કે તેઓ પોતાની તરફથી ચૂંટણી ના લડવાની જાહેરાત કરે. પરંતુ લાલકૃષ્ણ અડવાણી પણ મુરલી મનોહર જોશીની જેમ તૈયાર નહોતા.

સૂત્રોનું માનીએ તો અડવાણીએ પણ મુરલી મનોહર જોશીની જેમ રામલાલને કહ્યું હતું કે પાર્ટી અમને ચૂંટણીમાં ટિકિટ આપવા માંગતી નથી તો પાર્ટી અધ્યક્ષ અમિત શાહે જાતે આવીને પાર્ટીના નિર્ણયની માહિતી આપવી જોઇએ.

(12:42 pm IST)