Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

બિહારના ૩ જિલ્લામાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન હિંસા - આગજની

ગુજરાતના વડોદરા અને પશ્ચિમ બંગાળમાં પણ ઉત્સવ દરમિયાન છમકલાઃ રામનોમની શોભાયાત્રા અટકાવવા પ્રયાસઃ ૨૦થી વધુ દુકાનો - વાહનોને આગઃ ભારે તંગદિલી

પટણા તા. ૨૬ : બિહારમાં બે જિલ્લામાં સ્થિતિ વિસ્ફોટક બની છે તોફાની તત્વોએ કેટલીય દુકાનોમાં આગ લગાડી છે અને ભારે પથ્થરમારો થયો છે બંને જિલ્લામાં સ્થિતિ તણાવપૂર્ણ બતાવાઈ રહી છે આ પહેલા રવિવારે રામનવમીના અવસરે શોભાયાત્રા નીકળી હતી ત્યારે ઔરંગાબાદના નવાદીહ વિસ્તરામાં સદર હોસ્પિટલની પાછળ બાઈક સવારોએ રામનવમીની શોભાયાત્રામાં અંતરાયરૂપ થયા હતા અસામાજિક તત્વો દ્વારા બોમ્બ ફેંકવા અને ફાયરિંગની વાત વહેતી થતા બે જૂથ વચ્ચે તણાવ ઉભો થયો હતો. જોતજોતામાં સ્થિતિ ખરાબરીતે વણસી જવા પામી હતી.

 

મળતા અહેવાલ મુજબ તોફાનીઓએ ૨૦થી વધુ દુકાનો અને વાહનોંને આગ લગાડી છે જિલ્લા મથકેથી સ્થિતિ નિયંત્રિત કરવા પોલીસનો મોટો કાફલો ખડકી દેવાયો છે પરંતુ સ્થિતિ કાબુ બહાર છે.

બીજીતરફ કૈમુર જિલ્લાના ચેનપુરના મલિકસરાયમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી બંને વચ્ચે ભારે પથ્થરમારો થયાની પોલીસને જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો હતો. આ પહેલા શનિવારે શોભાયાત્રા કાઢવા બાબતે સિવાન જિલ્લામાં પણ હિંસક તોફાનો થયા હતા

જિલ્લાના એમએચ નગર મથકના નિઝામપુર વિસ્તાર નજીક શનિવારે રામનવમીના પૂર્વે નીકળેલી બાઈકથી શોભાયાત્રા અટકાવતા બે જૂથ વચ્ચે તણાવ ઉભો થયો હતો જેમાં જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ થયું હતુંખાનગી સ્કૂલ અને સ્કૂલ બસને નિશાન બનાવાઈ હતી ભારે પાઠાંતરમારામાં પીએસીઆઈ અતુલરાજ અને બે જવાનને ઇજા પહોંચી હતી.

આ પહેલા ગઇકાલે વડોદરામાં ફતેહપુરા ચાર રસ્તા પાસે બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. તોફાની ટોળાને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના ત્રણ સેલ છોડયા હતા સ્થિતિ કાબુમાં છે.

ફતેહપુરા વિસ્તારમાં ધાર્મિક શોભાયાત્રા નીકળી હતી. બાદમાં કાલુપુરા અદાણિયા પુલ પાસે ગમે તે કારણોસર બે જૂથએ પથ્થરમારો શરૂ કર્યો હતો. આ તોફાની ટોળાએ ત્રણ વાહનને આગ ચાંપી દીધી હતી. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો પહોંચી ગયો હતો. તોફાની ટોળાને વિખેરવા માટે પોલીસે લાઠી ઉગામી હતી પરંતુ ટોળા વિખેરાયા ન હતા. બાદમાં પોલીસે ટીયર ગેસના ત્રણ સેલ છોડયા હતા.

દરમિયાન ગઇકાલે પશ્ચિમ બંગાળમાં રામનવમીની ઉજવણીના મામલે ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ આમને-સામને આવી ગયા છે. રવિવારે સવારે પુરૂલિયામાં બજરંગદળ અને ભાજપનો ટેકો ધરાવતા અન્ય હિન્દુ સંગઠનો દ્વારા તલવારો અને અન્ય શસ્ત્રો સાથે રેલી કાઢીને શકિતપ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ રેલી દરમિયાન બર્ધમાન ખાતે પંડાલમાં તોડફોડ કરવામાં આવી હતી. આ તોડફોડ બાદ લોકોના ટોળાએ લઘુમતિ સમુદાયના લોકો ઉપર હુમલો કર્યો હતો. આ મારપીટમાં એક યુવાનનું મોત થયું હતું. બીજી તરફ બર્ધમાનમાં પંડાલ તોડવાની હિંસામાં ત્રણ પોલીસ સહિત ચાર લોકોને ઇજા થઇ હતી.

બીજી તરફ કેટલાક ગામડાઓમાં પણ વાહનો સળગાવવાની અને પથ્થરમારો થયાની ઘટના બની હતી. ઉલ્લેખનીય છે કે, આવી રેલીના કારણે બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી ભડકયા હતા અને રાજ્ય પોલીસને એલર્ટ કરી હતી. શસ્ત્રકૂચ કાઢવા માટે તેમણે હિંદુ સંગઠનોને ચેતવણી આપી હતી, આમ છતાં બજરંગદળના કાર્યકરોએ હાથમાં તલવાર લઇને જય શ્રીરામના નારા લગાવ્યા હતા. પોલીસે આવી રેલી કાઢવા માટે કોઇ પરવાનગી આપી નહોતી.

રામનવમી આમ તો હિંદુઓનો ધાર્મિક તહેવાર છે પણ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ બંને હિંદુઓની વોટબેંક મજબૂત બનાવવા પ્રયાસો કરી રહ્યા છે.(૨૧.૮)

(11:51 am IST)