Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

અનિલ કપૂરના આવાસ પર બોલિવુડ હસ્તીઓ એકત્રિત

શ્રીદેવીને શ્રદ્ધાંજલિ આપવાનો સિલસિલો જારી :ફરાહ ખાન, સ્વરા, અરુણા ઇરાની, કરણ જોહર, શબાના સહિતની હસ્તી પહોંચી : પવનહંસ સ્મશાન ગૃહમાં તૈયારી

મુંબઇ,તા. ૨૬ : શ્રીદેવીના પાર્થિવ શરીરને લાવવા માટેની તમામ તૈયારી કરવામાં આવી રહી છે. બોલીવુડની હસ્તી શ્રીદેવીના દિયર અને બોલીવુડના લોકપ્રિય અભિનેતા અનિલ કપૂરના વિલેપાર્લે આવાસ ઉપર પહોંચી ગઈ છે. અનિલ કપૂરના આવાસ પર પહોંચનાર કલાકારોમાં તમામ મોટા સ્ટારનો સમાવેશ થાય છે. અહીં ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી ચુકી છે. બોનીકપૂરના પુત્ર અર્જુન કપૂર પણ ફિલ્મના શૂટિંગને છોડીને અનિલ કપૂરના આવાસે પહોંચી ગયો છે. ફિલ્મ નિર્માતા કરણ જોહર અને ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રા પણ તેમના આવાસ પર પહોંચી ગયા હતા. જે કાર્યક્રમમાં હિસ્સો લેવા માટે શ્રીદેવી દુબઈ પહોંચ્યા હતા ત્યાં મનિષ પણ ઉપસ્થિત હતા. મનિષે લગ્નના ફોટા પણ શેયર કર્યા હતા. બોલીવુડના દિગ્ગજ કલાકાર અનુપમ ખેર પણ અનિલ કપૂરના આવાસે પણ પહોંચ્યા હતા. અનુપમ ખેરે કહ્યું હતું કે, શ્રીદેવી હંમેશા તેમની યાદોમાં રહેશે. શ્રીદેવીના સંદર્ભમાં ભૂતકાળમાં વાત કરવી ખુબ જ મુશ્કેલરુપ છે. અનુપમ ખેરે એમ પણ કહ્યું હતું કે, અમે સદીની સૌથી મોટી અભિનેત્રી ગુમાવી દીધી છે. આ બાબતને સ્વીકારવામાં ખુબ સમય લાગી શકે છે કે અમે ખુબ મોટી અભિનેત્રીને ગુમાવી દીધી છે. નિર્દેશક ફરાહ ખાન, તબ્બુ, શબાના આઝમી, સ્વરા ભાસ્કર, વૈભવી મર્ચન્ટ, નિલીમા અઝીમ અને અરુણા ઇરાનીએ પણ અનિલ કપુરના આવાસ પર પહોંચીને દુખની લાગણી વ્યક્ત કરી હતી. શ્રીદેવીનું અંતિમ સંસ્કાર મુંબઈમાં પવનહંસ સ્મશાનગૃહમાં કરવામાં આવનાર છે. સોમવારે સવારથી જ આમા તૈયારી દર્શાવવામાં આવી હતી. કર્મચારીઓ સ્મશાન ગૃહમાં સાફ સફાઈમાં નજરે પડ્યા હતા. સાથે સાથે ત્યાં ફોગિંગની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી. ભારતીય સમય મુજબ આજે બપોર સુધી શ્રીદેવીના પાર્થિવ શરીરને મુંબઇ લાવવાની શક્યતા હતી પરંતુ મોડે સુધી આ વ્યવસ્થા થઇ શકી ન હતી. શ્રદ્ધાંજલિઓનો દોર જારી રહ્યો છે.

(7:40 pm IST)