Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

વજન ઘટાડવાની દવા ઘાતક પુરવાર થઇ શકે છે : રિપોર્ટ

મોડલ અને કલાકારો આવી દવા લેતા હોય છે : શ્રીદેવીના મોત બાદ ઘણી નવી વિગતો સપાટી પર આવી

મુંબઇ,તા. ૨૬ : ગ્લેમરની દુનિયામાં સ્ટાર અને મોડલો ઉપર વજન ઘટાડવા માટેનું સતત દબાણ રહે છે. કલાકારો વજન ઘટાડવા માટે અનેક પ્રકારની દવાઓ અને હાર્મોનનો ઉપયોગ કરે છે. કદાચ કેટલીક વખત આ દવાઓની પ્રતિકુળ અસર પણ થાય છે. ઓવરડોઝના કારણે સેલિબ્રિટીઓના મોતના અહેવાલ અગાઉ પણ આવી ચુક્યા છે. તમામ લોકો માને છે કે, વજન ઓછુ કરવા માટે આ પ્રકારના તરીકા ઘાતક અને જીવલેણ સાબિત થઇ શકે છે. તબીબોનું કહેવું છે કે, આ દવા હાર્ટ ઉપર ખુબ પ્રતિકુળ અસર કરે છે.

બીએલકે સુપર સ્પેશિયાલિટીના કાર્ડિયોલોજિસ્ટ નિરવ ભલ્લાનું કહેવું છે કે, એવું જાણવા મળ્યું છે કે, કેટલીક મોડલ અને સ્ટાર ડ્યુરેટિક નામની દવા લે છે. આ દવા શરીરમાંથી પાણી ઓછું કરી નાંખે છે જેનાથી પાણી ઓછું થવાની સ્થિતિમાં ઘણી તકલીફો સર્જાય છે. બીજી બાજુ મોડલ પણ રેમ્પ ઉપર શો કરવા માટે વજન ખુબ ઝડપથી ઘટાડે છે. આના માટે દવાઓનો ઉપયોગ કરે છે. આનાથી ત્રણ ચાર કિલો સુધી વજન ઘટી જાય છે પરંતુ બોડીમાં સોલ્ટ અને ઇલેક્ટ્રોસાઇટનું પ્રમાણ ખુબ ઓછું થઇ જાય છે. ભલ્લાનું કહેવું છે કે જો શરીરમાં પોટેશિયમ અને સોલ્ટ બોડીમાંથી ઘટી જાય તો ઘાતક સાબિત થાય છે અને હાર્ટ ઉપર અસર થાય છે. કેટલીક મોડલ અને અભિનેત્રીઓ હાર્મોન ટેબલેટનો ઉપયોગ કરે છે જેમાં થાઈરોઇડ હાર્મોન હોય છે. તેમનું થાઈરોઇડ નોર્મલ હોય છે તે આના કારણે વધારે અસરગ્રસ્ત થાય છે. કારણ કે થાઈરોઇડ વધવાથી વજન ઘટવા લાગે છે અને બિમારીઓને આમંત્રણ મળે છે.

(7:36 pm IST)