Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

મોદી-ચોકસીને ૩૪ બેંકોએ ૮ થી ૯ હજાર કરોડની લોન આપી છે

લોન આપનાર બેંકોની માંગણી... સરકાર મામા-ભાણેજની કંપનીઓને પોતાના હસ્તક લઇ લ્યે : બંનેની કંપનીઓને દેવાળીયા જાહેર ન કરાય તેવી માંગણીઃ ૧૦૦૦ કર્મચારીઓ ઉપર માઠી અસર પડી શકે તેમ છે

નવી દિલ્હી તા.ર૬ : કૌભાંડી નિરવ મોદી અને મેહુલ ચોકસીના કરતુતોનો ભોગ બનેલી બેંકો ઇચ્છે છે કે, સરકાર આ બંને લોકોની કંપનીઓનુ અધિગ્રહણ કરી લ્યે. આવી બેંકોનુ કહેવુ છે કે બેંકો નિરવ મોદી અને મેહુલ ચોકસીની કંપનીઓને દેવાળીયા જાહેર કરે તે પહેલા સરકારે આ કંપનીઓને પોતાના નિયંત્રણમાં લઇ લેવી જોઇએ.

 

નિરવ મોદી અને મેહુલ ચોકસીને લોન આપનાર બેંકોનું કહેવુ છે કે પીએનબી મહાકૌભાંડમાં સરકારે સત્યમ કોમ્પ્યુટરની જેમ પગલા લેવા જોઇએ. સરકારે સત્યમ કોમ્પ્યુટરને ચલાવવા અને તેની સંપત્તિને બચાવવા માટે બોર્ડ ઓફ ડાયરેકટર્સની રચના કરી હતી.

 

જો કે કોર્પોરેટ મામલાના મંત્રાલયના સુત્રોએ જણાવ્યુ છે કે સરકાર આ કંપનીઓને પોતાની હસ્તક લેવાના મુડમાં નથી કારણ કે તે પછી આ કંપનીઓની જવાબદારી સરકારની જવાબદારી બની જાય તેમ છે.

આ બંનેને ઓછામાં ઓછી ૩૪ બેંકોએ લોન આપી છે. સૌથી મોટી લોન પીએનબીએ આપી છે. આ બેંક લગભગ ૯૦૦ કરોડ આપ્યા છે. ગીતાંજલી અને નિરવ મોદીની કંપનીઓએ લગભગ ૮૦૦૦ થી ૯૦૦૦ કરોડ સુધીની લોન લીધેલી છે.

જો નિરવ મોદીની કંપની અને ચોકસીની ગીતાંજલી ગ્રુપ ઓફ કંપનીઝને દેવાળીયા જાહેર કરવાની પ્રક્રિયા શરૂ થાય તો સબમીશન ડેટના ર૭૦ દિવસની અંદર રીઝોલ્યુશન (ઉકેલની પ્રક્રિયા) પ્રક્રિયા પુરી કરવી પડશે. જો યોજના સામે ન આવે તો કંપનીઓને બંધ જ કરવી પડે. કંપની દેવાળીયા જાહેર થાય તો તેના ૧૦૦૦ કર્મચારીઓ ઉપર અસર પડશે.

પીએનબીએ મેહુલ ચોકસીની કંપની ગીતાંજલીને એનપીએ જાહેર કરી છે. જો કે અન્ય બેંકોએ આવુ જાહેર કર્યુ નથી. જો કૌભાંડ સાબીત થાય કે ચુકવણામાં ૯૦ દિવસથી વધુનો વિલંબ થાય તો આવુ થાય છે. વર્તમાન સ્થિતિને જોતા આ મામલામાં આપવામાં આવેલી બધી લોન ૩૧ માર્ચ સુધીમાં એનપીએ જાહેર થઇ જશે.(૩-૬)

(10:57 am IST)