Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

દક્ષિણના એક રાજયપાલ ઉપર યૌન શોષણનો આરોપ

ગૃહ મંત્રાલય સમક્ષ ફરિયાદ આવતા ખળભળાટઃ તપાસનો ધમધમાટ શરૂ થયોઃ રાજયપાલનુ નામ જાહેર કરાયુ નથીઃ તપાસમાં પુરાવા મળશે તો રાજયપાલને રાજીનામુ આપવા જણાવાશેઃ ગયા વર્ષે મેઘાલયના રાજયપાલે આવા આરોપસર રાજીનામુ આપ્યુ હતુ

નવી દિલ્હી તા.ર૬ : ભારતના દક્ષિણના એક રાજયના રાજયપાલ ઉપર યૌન શોષણનો આરોપ લાગ્યો છે. તેમની વિરૂધ્ધ ગૃહ મંત્રાલયને ફરિયાદ મળી છે. હવે આ અંગેની તપાસ ચાલી રહી છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે ફરિયાદમાં જણાવાયુ છે કે રાજયપાલ રાજભવનમાં કામ કરતી મહિલાઓ સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ લાવતા હતા. ગૃહ મંત્રાલયે જો કે આ રાજયપાલની ઓળખ જાહેર કરી નથી.

ગૃહ મંત્રાલય આ મામલાને લઇને અત્યંત ગંભીર છે. તપાસમાં લાગેલી એજન્સીઓને આ અંગેના કેટલાક નિર્દેશો પણ જારી થયા છે. જો રાજયપાલ વિરૂધ્ધ કશુ ખોટુ મળ્યુ તો તેમને તરત જ રાજીનામુ આપવા જણાવાશે. જો કે હજુ સુધી કેન્દ્ર સરકારે આ મામલામાં રાજયપાલને કોઇ સમન્સ મોકલ્યુ નથી.

અત્રે એ નોંધનીય છે કે ગયા વર્ષે જાન્યુઆરીમાં મેઘાલયના રાજયપાલ વી.સંગમુંગનાથન ઉપર આવા આરોપ લાગ્યા હતા. ત્યારે તેમણે પણ રાજીનામુ આપવુ પડયુ હતુ. તેમના ઉપર રાજભવનને લેડીઝ કલબ જેવુ બનાવી દેવાનો આરોપ હતો.

રાજભવનના ૧૦૦થી વધુ કર્મચારીઓએ એ વખતે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને તેમની વિરૂધ્ધ ફરિયાદ કરી હતી. કર્મચારીઓએ કહ્યુ હતુ કે, રાજયપાલે રાજભવનની ગરીમાને લાંછન લગાડયુ છે. લોકોનો આરોપ હતો કે, રાજયપાલની મરજીથી રાજભવનમાં છોકરીઓની અવર-જવર રહેતી હતી અને એમાંથી અનેકની પહોંચ તો રાજયપાલના બેડરૂમ સુધીની હતી.(૩-૩)

(9:55 am IST)