Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

મોસ્ટ વોન્ટેડ દાઉદ ઇબ્રાહિમના ભત્રીજા સિરાજ કાસકરનું પાકિસ્તાનના કરાચીમાં કોરોનાથી મોત

મુંબઇ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને આ જાણકારી પોતાના બાતમીદાર પાસેથી મળી

મુંબઈ :અંડરવર્લ્ડ ડોન-મોસ્ટ વોન્ટેડ દાઉદ ઇબ્રાહિમના ભત્રીજા સિરાજ કાસકરનું પાકિસ્તાનના કરાચીમાં કોરોનાથી મોત થયુ છે. તે એક અઠવાડિયાથી હોસ્પિટલમાં હતો. મુંબઇ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ મુજબ 38 વર્ષીય મૃતક સિરાજ કાસકર દાઉદ ઇબ્રાહિમના મોટા ભાઇ સાબિર કાસકરનો પુત્ર હતો.

 પહેલા મુંબઇમાં સાબિર કાસકર જ દાઉદના જૂથનું નેતૃત્વ કરી રહ્યો હતો પરંતુ પઠાણ જૂથના ઇશારે 12 ફેબ્રુઆરી 1981માં ગેન્ગસ્ટર માન્યા સુર્વેએ તેની ગોળી મારી હત્યા કરી નાખી હતી. આ હત્યાકાંડ બાદ મુંબઇના અંડરવર્લ્ડના વર્ચસ્વની લડાઇ શરૂ થઇ હતી. આ ગેન્ગવોર બાદ દાઉદ ઇબ્રાહિમ મુંબઇ અંડરવર્લ્ડનો ડૉન બની ગયો હતો.

મુંબઇ ક્રાઇમ બ્રાન્ચના સુત્રોએ જણાવ્યુ કે તેમણે પોતાના મુખબિરોથી ખબર પડી કે સાબિર કાસકરનો પુત્ર સિરાજ કોરોનાથી સંક્રમિત હતો. ગત અઠવાડિયે શ્વાસ લેવામાં તકલીફ પડી હતી, ત્યારે તેને કરાચીની એક ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યા બાદ તેની સ્થિતિ બગડતા તેને લાઇફ સપોર્ટ પર રાખવામાં આવ્યો હતો.

બે દિવસ લાઇફ સપોર્ટ પર રહ્યા બાદ બુધવાર સવારે સિરાજની સ્થિતિ ખરાબ થઇ હતી. સિરાજના ઓક્સિજનની કમીને કારણે તેના કેટલાક અંગ ફેલ થઇ ગયા હતા, જેને કારણે તેનું મોત થયુ હતું.

મુંબઇમાં સબંધીઓને કરાચીમાં રહેલા દાઉદ ઇબ્રાહિમના પરિવારના સભ્યોએ સિરાજના મોત વિશે જાણકારી આપી હતી. મુંબઇ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને આ જાણકારી પોતાના બાતમીદાર પાસેથી મળી હતી. સિરાજ કાસકર કરાચીની ક્લિફ્ટન વિસ્તારમાં દાઉદ ઇબ્રાહિમની હવેલી પાસે જ રહેતો હતો

(9:27 pm IST)