Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

અલ કાયદાના ઓમર સઈદ સહિત ચારને મુક્ત કરાશે

પત્રકાર ડેનિયલ પર્લની હત્યાના ગુનામાં સજા થઈ હતી : ૧૯૯૪માં ભારતમાં દિલ્હી ખાતે વિદેશી પ્રવાસીઓના કેડિનેપિંગ કેસમાં પણ ઓમર શેખની ધરપકડ થઈ હતી

ઈસ્લામાબાદ, તા. ૨૫ : બ્રિટનમાં જન્મેલા મૂળ પાકિસ્તાની એવા અલ કાયદા આતંકવાદી સંગઠનના નેતા ઓમર સઈદ શેખ તેમજ તેના ત્રણ સાગરિતોને જેલમાંથી મુક્ત કરવા કરાચીની કોર્ટે ગુરુવારે આદેશ આપતા તમામને આવતીકાલે મુક્ત કરાશે. ઓમર સઈદ શેખ સહિત ચાર લોકોને ૨૦૦૨માં અમેરિકાના વર્તમાનપત્ર ધ વોલ સ્ટ્રીટ જર્નલના પત્રકાર ડેનિયલ પર્લની ગળું કાપીને હત્યા કરવાના ગુનામાં દોષી ઠેરવી સજા કરવામાં આવી હતી. ઓમર શેખ અલ કાયદાનો નેતા હતો અને તેણે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અભ્યાસ કર્યો હતો પરંતુ તેણે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું નહતું. ૧૯૯૪માં ભારતમાં દિલ્હી ખાતે વિદેશી પ્રવાસીઓના કેડિનેપિંગના કેસમાં ઓમર શેખની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત અમેરિકામાં ટ્વીન ટાવર પર ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧ના થયેલા આતંકવાદી હુમલામાં સંડોવાયેલા એક આતંકવાદીને નાં ટ્રાન્સ્ફર કરવાનો પણ ઓમર પર આક્ષેપ હતો.   

૧૯૯૯માં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની સરકાર વખતે પાકિસ્તાની આતંકવાદીઓએ ઈન્ડિયન એરલાઈન્સનું કાઠમંડુથી અપહરણ કર્યું હતું અને ફ્લાઈટને અફઘાનિસ્તાનના કંદહાર લઈ જવામાં આવી હતી. આતંકવાદીઓએ તે સમયે ત્રણ આતંકવાદીઓ ઓમર શેખ, મસુદ અઝહર અને મુશ્તાક અહેમદ ઝરગરને ભારતની જેલમાંથી છોડવા માંગ કરી હતી. ૧૫૦ મુસાફરોના જીવના બદલામાં ભારત સરકારે આ માગણી સ્વીકારી અને ત્રણેય આતંકવાદીઓને મુક્ત કર્યા હતા. બાદમાં મસુદ અઝહરે જૈશ-એ-મોહમ્મદની સ્થાપના કરી હતી.

અમેરિકાના પત્રકાર ડેનિયલ પર્લની હત્યાના દોષી અને સજા કાપી રહેલા ઓમર શેખ તેમજ તેના ત્રણ સાગરિતો ફહદ નસીમ, સલમાન સકીબ અને શેખ આદિલને જેલમાંથી મુક્ત કરવા પાકિસ્તાનની કોર્ટે ગુરુવારે આદેશ આપ્યો હતો. જસ્ટિસ એ કે આગાની વડપણ હેઠળની સિંધ હાઈ કોર્ટની બે જજની બેન્ચે એજન્સીઓને આદેશ કરી ઓમર શેખ તેમજ તેના સાગરિતોને કેદમાં નહીં રાખવા જણાવ્યું હતું. આ સાથે જ ઓમર અને તેના સાથીઓ વિરુદ્ધના સિંધ સરકારના તમામ આદેશોને રદ કરવા જણાવ્યું હતું. કોર્ટે ચારેય લોકોની અટકાયત ગેરકાયદે હોવાનું તારણ કાઢ્યું હતું.

જેલ સુપ્રીટેન્ડન્ટના મતે કરાચી મધ્યસ્થ જેલનો ઓર્ડર મળવામાં થયેલા વિલંબથી તમામને કરાચી મધ્યસ્થ જેલમાંથી ગુરુવારે મુક્ત કરી શકાયા નહતા. ચારેયના વકીલે જણાવ્યા મુજબ શુક્રવારે જાહેર રજા હોવાથી હવે તમામનો શનિવારે જેલમાંથી છૂટકારો થશે.   અગાઉ એપ્રિલમાં સિંધ હાઈકોર્ટની બે જજની બેન્ચે ઓમર શેખની ફાંસીની સજાને સાત વર્ષની સજામાં તબદીલ કરતો આદેશ આપ્યો હતો. આ સાથે જ શેખના ત્રણ સાગરીતોને આજીવન કેદની સજામાંથી મુક્ત કર્યા હતા. અંદાજે બે દાયદા બાદ પાક. કોર્ટે આ ચુકાદો આપ્યો હોવાથી હવે તમામ જેલમાંથી બહાર આવશે.

(7:31 pm IST)