Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

ચીનના જાસૂસીના નેટવર્કનો પર્દાફાશ, અફઘાનની ચેતવણી

વિશ્વભરમાં વર્ચસ્વ વધારવાનો ચીનનો પ્રયાસ :કાબુલ પોલીસે ૧૦ ચીની જાસૂસોની ધરપકડ કરી, ચીન માફી ન માગે તો કાર્યવાહીની અફઘાનિસ્તાનની ચીમકી

કાબુલ, તા. ૨૫ : દુનિયામાં પોતાનું વર્ચસ્વ વધારવાનો પ્રયાસ કરી રહેલ ચીન હવે માત્ર ભારતમાં જ નહીં પરંતુ તમામ દેશોમાં જાસૂસી નેટવર્કનું વિસ્તરણ કરી રહ્યું છે. તેના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં પણ ચીનના જાસૂસ નેટવર્કનો ખુલાસો થયો છે. કાબુલ પોલીસે દરોડા પાડીને દેશમાં ગુપ્તચર માહિતી એકત્રિત કરી રહેલા ૧૦ ચીની જાસૂસોની ધરપકડ કરી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાનના નેશનલ ડિરેક્ટોરેટ ઓફ સિક્યુરિટી (એનડીએસ) એ જાસૂસી અને આતંકવાદી પ્રવૃત્તિઓ કરવા બદલ ૧૦ ડિસેમ્બરના રોજ ચીનના ૧૦ લોકોને પકડ્યા હતા. પકડાયેલા તમામ લોકો ચીનની ગુપ્તચર એજન્સી માટે કામ કરી રહ્યા હતા. તેમાંથી ૨ લોકો આતંકવાદી સંગઠન હક્કાની નેટવર્કના સંપર્કમાં હતા. હક્કાની નેટવર્કને તાલિબાનોનો ભયાનક ચહેરો માનવામાં આવે છે.

આપને જણાવી દઈએ કે અમેરિકાની અફઘાનિસ્તાનમાંથી પીછેહઠની વચ્ચે ચીન ત્યાં પોતાનો પ્રભાવ વધારવામાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં જાસૂસ નેટવર્કનો ખુલાસો તેમના માટે શરમજનક હરકત બની ગઇ છે. ચીનના અધિકારીઓએ અફઘાનિસ્તાનને પ્રભાવ ઉભો કરવા માટે દબાવાની અને ચીની નાગરિકોને છોડવાની માંગણી કરી, પરંતુ તેમની માંગણીઓ ધ્યાનમાં લેવામાં આવી નહોતી.

દરમિયાનમાં જાસૂસી નેટવર્કનો ખુલાસો થયા બાદ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ આ બાબતને ગંભીરતાથી લીધી હતી અને તપાસની દેખરેખની જવાબદારી પહેલા ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહને સોંપી દીધી છે. અમરૂલ્લાહ સાલેહ અફઘાન ગુપ્તચર એજન્સીના ભૂતપૂર્વ ચીફ રહી ચૂક્યા છે. આવા સંવેદનશીલ કેસોની તપાસ કરવામાં તેમનો ખાસ્સો અનુભવ છે. અમરૂલ્લાહ સાલેહે કાબુલમાં તૈનાત ચીની રાજદૂત વાંગ યુ સાથે મુલાકાત કરી તેમણે ચીની નાગરિકોની અટકાયત વિશે માહિતી આપી. સૂત્રોના જણાવ્યા અનુસાર અમરૂલ્લાહ સાલેહે ચાઇનીઝ રાજદૂતે કહ્યું હતું કે જો આ મામલે ચીન માફી માંગી લે છે તો તેઓ તેના નાગરિકોને માફી આપી શકે છે. આમ ના કરવા પર તેમનો દેશ આરોપીઓની વિરૂદ્ધ ગુનાહિત તપાસ માટે કાર્યવાહી કરશે. એક અહેવાલ મુજબ ધરપકડ કરાયેલ ચાઇનીઝ પૈકીના એક લિ યંગયાંગ આ વર્ષે જુલાઇથી ચીની ગુપ્તચર એજન્સીમાં કામ કરી રહ્યા હતા. બાતમી મળતાં એનડીએસએ તેને ૧૦ ડિસેમ્બરે પશ્ચિમ કાબુલના કાર્ટ-એ-ચારથી પકડ્યો હતો. તેની પાસેથી મોટી માત્રામાં દારૂગોળો અને કેટામાઈન પાવડર જપ્ત કર્યો હતો.

અફઘાન અધિકારીઓની પૂછપરછ દરમ્યાન લિ યંગયાંગે કહ્યું હતું કે તેઓ કુનાર અને બડાખશાન પ્રાંતથી અલ કાયદા, તાલિબાન અને ઉઇગુર મુસ્લિમોની માહિતી એકત્રિત કરી રહ્યો હતો. તેમની પાસેથી પ્રાપ્ત માહિતીના આધારે એનડીએસ એ શહા એચયુએનજી નામની એક ચીની મહિલાની પણ ધરપકડ કરી હતી. તે કાબુલના શિરપુરમાં એક રેસ્ટોરન્ટમાં કામ કરતી હતી, માહિતી એકઠી કરતી હતી. એનડીએસ એ શહા એચયુએનજીના સ્થળેથી શસ્ત્રો અને ગુપ્ત માહિતી પણ મળી હતી.

એનડીએસ અધિકારીઓની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે બંને ચીનના નાગરિકો આતંકવાદી સંગઠન હક્કાની નેટવર્ક સાથે જોડાયેલા છે. આ બંને પાસેથી મળેલી માહિતીના આધારે કાબુલના જુદા જુદા ભાગોમાંથી બીજા ૮ લોકોની ધરપકડ કરવામાં આવી. અફઘાન એજન્સીઓ અનુસાર પકડાયેલા ચીની જાસૂસો નકલી પૂર્વ તુર્કેસ્તાન ઇસ્લામિક મુવમેન્ટ સંસ્થા ઉભી કરવાની કોશિષ કરી રહ્યા હતા. આમ કરીને તેઓ વીગરો પાસેથી સહાનુભૂતિ રાખવાનો કે તેમની મદદ આપનાર લોકોને ચિન્હિત કરવા માંગતા હતા.

આપને જણાવી દઈએ કે ઈટીઆઈએમ ચીનના ઝિંજિઆંગ પ્રાંતમાં વીગર મુસ્લિમોનું એક નાનું અલગતાવાદી જૂથ છે. આ સંગઠનના સ્થાપક હસન માહસુમને ૨૦૦૩માં પાકિસ્તાની સૈનિકોએ માર માર્યો હતો. માનવાધિકાર કાર્યકરોનું કહેવું છે કે ચાઇના ઇટીઆઈએમના કથિત ખતરાનો ઉપયોગ વેગર મુસ્લિમો પરના અત્યાચારને દબાવવા માટે કરે છે. ચીનના કહેવા પર યુએન સિક્યુરિટી કાઉન્સિલે ઈટીઆઈએમને આતંકી સંગઠન જાહેર કર્યું છે. જોકે, યુ.એસ.એ ગયા મહિને પોતાની આતંકવાદી સંગઠનોની યાદીમાંથી ઈટીઆઈએમને બહાર કરી દીધું.

(7:30 pm IST)