Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

રાજસ્‍થાનના શિક્ષણ મંત્રી ગોવિંદસિંગના ઓએસડીની ઓળખ આપીને સુર્યા પ્રિન્‍ટીંગ પ્રેસમાં પેપર લીક કેસની તપાસ કરવા આવેલ શખ્‍સ ઝડપાયો

અમદાવાદ: રાજસ્થાનના શિક્ષણમંત્રી ગોવિંદસિંગના OSD (ઓફીસર ઓન સ્પેશિયલ ડ્યૂટી) તરીકે ઓળખ આપી આંબલી ગામમાં સુર્યા પ્રિન્ટીંગ પ્રેસમાં એમ.એમ.શર્મા નામનો યુવક ગુરુવારે આવ્યો હતો. યુવકે જણાવ્યું કે, રાજસ્થાન SOGના કહેવાથી તમારા ત્યાંથી થતા પેપરલીક કેસની તપાસ કરવી છે.

પ્રેસના વહીવટકર્તાએ યુવક પાસે આઈડી માંગતા તે ભાગ્યો હતો. આથી પ્રેસના કર્મચારીઓએ યુવકને ઝડપી લીધો હતો. યુવકની પૂછપરછમાં તે ખોટી ઓળખ આપતો હોવાનું સાબિત થતા સરખેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સેટેલાઈટમાં વૈભવ ટાવર ખાતે રહેતા ગૌરવભાઈ ત્રિવેદી (ઉં,55) આંબલી ગામમાં પ્રજાપતિ વાસમાં આવેલા કિન્નર મહેતાના સૂર્યા ઓફસેટ પ્રેસમાં વહીવટી અધિકારી તરીકે છેલ્લા 18 વર્ષથી નોકરી કરે છે.

ગત મંગળવારે ગૌરવભાઈને એમ.એમ.શર્મા નામના વ્યક્તિએ ફોન કરી રાજસ્થાન સરકારનું પ્રિન્ટિંગ કામ હોવાથી તમને મળવુ છે તેમ જણાવ્યું હતું. આથી ગૌરવભાઈએ ફોન કરીને આવજો તેવો જવાબ આપ્યો હતો. બીજા દિવસે શર્માએ વ્હોટસએપ મેસેજ કરી સવાલ કર્યો તમે હોટલ પર મળવા આવશો તો ગૌરવભાઈએ ના પાડી હતી.

ગુરુવારે સવારે શર્માએ ગુડ મોર્નિંગનો મેસેજ કર્યો બાદમાં અને 9:05 વાગ્યે વ્હોટસએપ કોલ કર્યો હતો. જોકે વાત થઈ ન હતી. આથી ગૌરવભાઈએ સામેથી કોલ કર્યો હતો.

બપોરે 12 વાગ્યે શર્મા ગૌરવભાઈની ઓફિસ પહોંચ્યો અને પોતાની ઓળખ રાજસ્થાનના શિક્ષણ મંત્રી ગોવિંદસિંગના ઓએસડી તરીકે આપી અને પોતે રાજસ્થાન SOG જયપુરના કહેવાથી આવ્યાનું જણાવ્યું હતું.

તે પછી શર્માએ જણાવ્યું કે, રાજસ્થાન જયપુરમાં કોચિંગ કલાસ ચલાવતા બલવીર પાસેથી જાણવા મળ્યું કે, તમારા ત્યાંથી પેપરલીક થાય છે, તેની તપાસ કરવાની છે. ગૌરવભાઈએ શર્મા પાસે તેનું ID માગ્યું હતું. તમે આઈ.ડી.પ્રૂફ આપો તો જ અમે માહિતી આપીશું તેમ ગૌરવભાઈએ જણાવતા શર્મા ઉભો થઈને ચાલવા લાગ્યો હતો.

ગૌરવભાઈએ શંકા જતા તેણે ઉભા રહેવા જણાવ્યું પણ શર્મા ભાગ્યો હતો. ઓફિસના માણસો અને સ્થાનિક લોકોએ તેણે ઝડપી લીધો હતો. શર્માનું કાર્ડ જોતા તેનું નામ મુકેશ મહેશ શર્મા (ઉં.35 (રહે, શ્રી કૃષ્ણ સોસાયટી આંબલી, દાદરાનગર હવેલી મૂળ-જયપુર રાજસ્થાન) હતું.

મુકેશ શર્મા પાસે ગૌરવભાઈનો મોબાઈલ નંબર અમદાવાદમાં રહેતાં મનોજ ખત્રી પાસેથી આવ્યો હતો. બાદમાં આરોપીને સરખેજ પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસે ગૌરવ ત્રિવેદીની ફરિયાદ આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

(5:04 pm IST)