Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

મધ્‍યપ્રદેશના ઉજ્જૈનની યુવતિને ઇન્‍સ્‍ટાગ્રામ ફ્રેન્‍ડે અમદાવાદ બોલાવીને હોટલમાં દુષ્‍કર્મ આચર્યુઃ ‘જીદ્દી લડકા' વિરૂદ્ધ ફરિયાદ

અમદાવાદ: મધ્ય પ્રદેશના ઉજ્જૈનની યુવતીએ ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડ દ્વારા તેના પર અમદાવાદમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાવી છે.

યુવતીને જીદ્દી લડકા નામના ઈન્સ્ટા ફ્રેન્ડે કપાયેલા હાથનો ફોટો મોકલી- તું નહી આવે તો હું મરી જઈશ તેમ કહી અમદાવાદ બોલાવી હતી. જ્યાં લગ્નની લાલચ આપી રાયપુરની હોટલમાં યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. યુવતીને બે વાર અમદાવાદ બોલાવી દુષ્કર્મ આચરનાર આરોપીએ પોતાનો ફોન બંધ કરી દીધો હતો. યુવતીએ પિતાને સમગ્ર ઘટનાની જાણ કરતા પોલીસની મદદ માંગી હતી.

મધ્ય પ્રદેશ પોલીસે પણ મગજ દોડાવી તત્કાળ દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીની ઝીરો નંબરથી ફરિયાદ નોંધી અને કાગળો ખાડીયા પોલીસને મોકલ્યા હતા. ખાડીયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ, મધ્ય પ્રદેશના ઉજ્જૈનની વતની અને ધો-10 સુધી અભ્યાસ કરનાર સૌમ્યા (નામ બદલ્યું છે) ને તેના ઈન્સ્ટાગ્રામ ID પર જૂન-2019માં જીદ્દી લડકા નામના યુવકે ફ્રેન્ડસ રિકવેસ્ટ મોકલી હતી. જે સૌમ્યાએ સ્વીકારતા બન્ને વચ્ચે મિત્રતા થઈ હતી.

તે પછી જીદ્દી લડકાએ કપાયેલા હાથનો ફોટો મોકલી- તું નહી આવે તો હું મરી જઈશ તેમ કહ્યુ હતું. જેના પગલે સૌમ્યા ઉજ્જૈનથી ઓગસ્ટ-2019માં માતા-પિતાને જાણ કર્યા વગર અમદાવાદ આવી અને જીદ્દી લડકાને મળી હતી. જે બાદ યુવક હોટલમાં જઈ વાત કરીએ તેમ કહી સૌમ્યાને ખાડીયાના રાયપુર વિસ્તારની હોટલ સન્માનમાં લઈ ગયો હતો. જ્યાં હોટલમાં લગ્નની લાલચ આપી આરોપીએ સૌમ્યા પર રેપ કર્યો હતો.

જે બાદ ફરી આરોપી યુવકે સૌમ્યાને ઓક્ટોબર-2019માં ધમકી આપી અમદાવાદ બોલાવી અને હોટલમાં લઈ જઈ રેપ કર્યો હતો. સૌમ્યાએ લગ્નની વાત કરતા જીદ્દીએ હજુ ઘરે વાત નથી કરી, તું જા હું ઘરે લગ્નની વાત કરી લઈશ તેમ કહ્યું હતું.

તે પછી ઓક્ટોબર- 2020 સુધી જીદ્દીએ સૌમ્યા જોડે ફોન પર વાત કરી હતી બાદમાં ફોન બંધ કરી દીધો હતો. સૌમ્યાએ પિતાને જાણ કરતા તેઓ ઉજ્જૈનના ચિમનગંજમંડી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

જ્યાં મહિલા પોલીસ અધિકારી મધુ બંસલે સૌમ્યાની ફરિયાદ સાંભળી હતી. આ ગુનો અમદાવાદમાં બન્યો હતો તેમ છતાં તેની ગંભીરતા જોઈ મધ્ય પ્રદેશ પોલીસે ઝીરો નંબરથી જીદ્દી લડકા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. આ ગુનાના કાગળો અમદાવાદ ખાડીયા પોલીસ સ્ટેશનને મોકલી આપ્યા હતા.

(5:03 pm IST)