Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

‘હલાલ ભોજન હિન્‍દુ અને શીખ ધર્મમાં વર્જીત છે અને તે બંને ધર્મોની વિરૂદ્ધ છે' તેવું બોર્ડ દિલ્‍હીની રેસ્‍ટોરન્‍ટ-દુકાનોમાં મારવુ પડશે

નવી દિલ્હીઃ ભાજપ શાસિત દક્ષિણ દિલ્હી મ્યુન્સિપલ કોર્પોરેશન પોતાના અધિકાર ક્ષેત્રની રેસ્ટોરન્ટ-હોટેલ અને મીટની દુકાનો માટે એક યોજના બનાવી રહ્યું છે. જેમાં રેસ્ટોરન્ટ હોટેલ સંચાલકો અને દુકાનદારોએ સ્પષ્ટ કરવું પડશે કે તેમને ત્યાં હલાલ કે ઝટકાનું મીટ-મટન પિરસવામાં આવે છેપ્રસ્તાવ મુજબ હલાલ ભોજન હિન્દુ અને શિખ ધર્મમાં વર્જીત (હરામ) છે અને તે બંને ધર્મોની વિરુદ્ધ છે.

અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ ગુરુવારે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. હવે તે ગૃહમાં રજૂ કરાશે. જ્યાં ભાજપની બહુમતી છે. તેથી તે પસાર થવાની પુરી સંભાવના છે.

સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ રાજદત્તા ગેહલોતે મીટ-મટનનો પ્રકાર જાહેર કરવાના તર્ક અંગે જણાવ્યું કે અમારો હેતુ ગ્રાહકને ક્યું મીટ- મટન આપવામાં આવી રહ્યું છે, તેની જાણ થવાનો છે. જેથી તેના આધારે ગ્રાહક પોતાની પસંદનું મીટ-મટન લઇ શકે.

કોર્પોરેટર અનિતા તંવરે પ્રસ્તાવ રજૂ કર્યો

રાજદત્તાએ વધુમાં જણાવ્યું કે, હાલના સમયમાં એક પ્રકારનું મીટ વેચવા- પિરસવાનું લાઇસન્સ અપાય છે. જ્યારે તેના સ્થાને ઘણી જગ્યાએ કેટલાક લોકો બીજું કંઇક વેચે છે. આ અંગે છતરપુરની કોર્પોરેટર અનીતા સંવરે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જે મેડિકલ રિલીફ એન્ડ પબ્લિક હેલ્થ પેનલ સમક્ષ 9 નવેમ્બર 2020ના રોજ રજુ થયો હતો.

હલાલ અને ઝટકામાં શું તફાવત?

બંને પ્રકારમાં પક્ષી કે પશુનું ગળુ તિક્ષ્ણ હથિયારથી કાપવામાં આવે છે, પરંતુ ફરક એટલો છે કે,

- હલાલમાં અલ્લાહનું નામ લઇ પશુ-પક્ષીને સુવડાવી ધીમેથી છરી કે છરો ફેરવવામાં આવે છે.

- ઝટકામાં પશુ-પક્ષીને પહેલાં ઇલેક્ટ્રીક શોક આપી મગજ નિસ્તેજ બનાવવામાં આવે છે, પછી તેના ગળા પર ઝટકાથી તલવાર કે છરાનો વાર કરી ડોક અલગ કરી દેવામાં આવે છે.

ઇસ્લામમાં હલાલ શા માટે?

ઇસ્લામ ધર્મમાં હલાલ એટલા માટે જરુરી છે, કારણ કે તેનાથી પશુ-પક્ષીનું ગળુ ધીમેથી કાપવામાં આવે છે, તેની અન્નનળી કાપવાથી તેના શરીરનું લોહી એક સાથે નીકળી જાય છે. પરિણામે માસમાં લોહી કે તેના કણ રહેતા નથી. જે આરોગ્ય માટે હિતાવહ છે.

જ્યારે ઝટકામાં પશુ-પક્ષીનું કતલ ઝટકા સાથે કરવામાં આવતા તેના શરીરનું બધુ લોહી નીકળી જતું નથી અને માસમાં રહી જાય છે.

(5:02 pm IST)