Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

હું અપરણિત જરૂર છું પરંતુ કુંવારો નથીઃ અટલજીના જવાબીપણાને લોકો આજે પણ યાદ કરે છે

આજે ભારત રત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપેયીની જયંતી છે. વાજપેયી ત્રણ વખત ભારતના વડાપ્રધાન બન્યા. જો કે તેમના પ્રથમ બે કાર્યકાળ ઘણાં જ ટૂંકા રહ્યાં. જેમાંથી એક 13 દિવસનો, જ્યારે બીજો કાર્યકાળ 13 મહિનાનો રહ્યો.

1999માં જ્યારે અટલજી ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા, ત્યારે તેમણે 2004 સુધીનો 5 વર્ષનો પોતાનો કાર્યકાળ પૂરો કર્યો. અટલ બિહારી વાજપેયી પોતાના હાજર જવાબ માટે જાણીતા હતા. અનેક વખત પોતાના હાજર જવાબથી તેઓ સામે વાળાને બોલતા બંધ કરી દેતા હતા. આવા જ એક કાર્યક્રમ દરમિયાન અટલજીએ સૌ કોઈને ચોંકાવી દીધા હતા. જ્યારે અટલજીએ કહ્યું હતું કે, “હું અપરણિત છું, પરંતુ કુંવારો નહીં.

જ્યારે પણ કોઈ મોટી હસ્તિ અપરણિત રહે અથવા લગ્ન ના કરવાનો નિર્ણય કરે, ત્યારે સામાન્ય લોકોમાં તેને લઈને અચરજ રહે, તે સ્વાભાવિક છે. લોકો તેની પાછળનું કારણ જાણવા કાયમ ઉત્સુક રહે છે. અટલજી પણ આજીવન અપરણિત રહ્યા. લગ્ન અંગેનો પ્રશ્ન પૂછવા પર તેઓ કાયમ હસી નાંખતા હતા. જો કે એક વખત તેમણે પોતાના હાજર જવાબથી સૌ કોઈને ચોંકાવી દીધા હતા.

પૂર્વ PM અટલ બિહારી વાજપેયીને એક વખત પ્રશ્વ પૂછવામાં આવ્યો કે, તમે અત્યાર સુધી કુંવારા કેમ છો? પોતાના હાજર જવાબ માટે જાણીતા વાજપેયીએ પત્રકારો કહ્યું કે, “હું અપરણિત જરૂર છું, પરંતુ કુંવારો નથી.

અટલજીના હાજર જવાબીના અન્ય કિસ્સાઓ

અટલ બિહારી વાજપેયીના હાજર જવાબના અનેક કિસ્સાઓ જાણીતા છે. પાકિસ્તાનમાં રહેલા આતંકવાદી કેમ્પો પર અટલજીએ કહ્યું હતું કે, પડોશી કહે છે કે, એક હાથથી તાળી નથી પડતી, અમે કહ્યું કે, ચપટી તો વાગી જ શકે છે.

અન્ય એક વખત પાકિસ્તાની મંત્રીએ કહી દીધુ કે, “કાશ્મીર વિના પાકિસ્તાન અધૂરુ છે. જેના પર અટલ બિહારી વાજપેયીએ જવાબ આપ્યો હતો કે, “પાકિસ્તાન વિના હિન્દુસ્તાન અધૂરુ છે.

એક વખત એક પત્રકારે અટલજીને કહ્યું હતું કે, ભાજપમાં એક વાજપાયી જૂથ છે. એક અડવાણીનું જૂથ છે. જેના પર અટલજીએ સ્પષ્ટ કહ્યું કે, હું આવી કોઈ જૂથબંધીમાં નથી, હું અન્યોના કાદવમાં મારુ કમળ ખિલવું છું.

(5:01 pm IST)