Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

2020નું વર્ષ સુશાંતસિંહ રાજપૂતના મોતનો મામલો-ડ્રગ્‍સ કનેકશન સહિતની બાબતોથી બોલિવૂડ માટે તમામ મોરચે કઠોર સાબિત થયુ

અમદાવાદઃ સુશાંતની આત્મહત્યાની તપાસનો છેડો બોલીવુડના ડ્રગ્સ કનેક્શન સુધી પહોંચ્યો અને તેમાં બોલીવુડના મોટા મોટા કલાકારોના નામ સામે આવ્યા. તાજેતરમાં કોન્ટ્રોવર્સી ક્વીન કંગનાને દિલજીત દોસાંજ સાથે જીભાજોડી થઈ, તે ટૉક ઑફ ટાઉન બની. ચાલો જાણીએ બોલીવુડની આ વર્ષની પાંચ મોટી કોન્ટ્રોવર્સી. બોલીવુડ અને વિવાદોનો નાતો આમ તો જૂનો છે. પરંતુ વર્ષ 2020 બોલીવુડ માટે તમામ મોરચે કઠોર સાબિત થયું. સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા, ઈરફાન ખાન, ઋષિ કપૂર જેવા દિગ્ગજ અભિનેતાઓના નિધનથી બોલીવુડ હચમચી ઉઠ્યું હતું. સુશાંતની આત્મહત્યાની તપાસનો છેડો બોલીવુડના ડ્રગ્સ કનેક્શન સુધી પહોંચ્યો અને તેમાં બોલીવુડના મોટા મોટા કલાકારોના નામ સામે આવ્યા. કોરોના કાળમાં શૂટિંગ રોકાઈ જતા ઈન્ડસ્ટ્રીને પણ મોટો ફટકો પડ્યો છે. તો તાજેતરમાં કોન્ટ્રોવર્સી ક્વીન કંગનાને દિલજીત દોસાંજ સાથે જીભાજોડી થઈ, તે ટૉક ઑફ ટાઉન બની. ચાલો જાણીએ બોલીવુડની આ વર્ષની પાંચ મોટી કોન્ટ્રોવર્સી.

  • સુશાંતની આત્મહત્યા અને ટોચના કલાકારોનું ડ્રગ્સ કનેક્શન

2020માં જૂન મહિનામાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી. આ સમાચારથી આખો દેશ આઘાતમાં હતો. કેસની તપાસમાં સીબીઆઈ અને ઈડી જોડાયા તો આખી સ્ટોરીમાં ડ્રગ એંગલ સામે આવ્યો. જે બાદ NCB તપાસમાં જોડાયું અને રિયા ચક્રવર્તી અને તેના ભાઈની ધરપકડ થઈ પરંતુ સાથે એ લિસ્ટના બોલીવુડના કલાકારોની પૂછપરછ થઈ. જેમાં દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, અર્જુન રામપાલ, કરણ જોહર જેવા નામો છે. આ સાથે જ કોમેડિયન ભારતી અને તેના પતિની પણ ધરપકડ થઈ હતી. ભારતીના ઘરમાંથી ગાંજો પણ મળી આવ્યો હતો.

  • કંગના અને શિવસેનાની ટક્કર

સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ મુંબઈ પોલીસ પર અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. સુશાંતનો કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યા બાદ કંગનાએ મુંબઈ પોલીસ પર નિવેદન આપીને હોબાળો મચાવી દીધો હતો. કંગનાએ ત્યાં સુધી કહ્યું કે મુંબઈમાં PoKમાં હોઈએ તેવું લાગે છે. જેનો જવાબમાં શિવસેાનાના નેતા સંજય રાઉતે એવા શબ્દો બોલ્યા જેનાથી હોબાળો થઈ ગયો. મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ એવું કહ્યું કે, કંગનાએ મુંબઈમાં ન રહેવું જોઈએ. જે બાદ કંગના મુંબઈ આવી હતી. આ જ સમયે તેની મુંબઈ ઑફિસના બાંધકામને કાયદાની વિરુદ્ધ ગણી તોડી પાડવામાં આવી હતી. જો કે બોમ્બે હાઈકોર્ટે તેને ઈદારાપૂર્વકનું ગણાવી બીએમસીની ટીકા કરી હતી.

  • જયા બચ્ચન વર્સિસ રવિ કિશન

બોલીવુડના ડ્રગ્સ કનેક્શનમાં બોલીવુડના એ લિસ્ટના સ્ટાર્સનું નામ સામે આવ્યા બાદ અભિનેતા અને સાંસદ રવિ કિશને કહ્યું કે, બોલીવુડમાં નશાનો કારોબાર વધી રહ્યો છે. જેના માટે જવાબદારી લોકો પર પગલાં લેવાવા જોઈએ. જો કે જયા બચ્ચનને આ વાત પસંદ નહોતી આવી. તેમણે કહ્યું હતું કે, રવિ કિશનનું નિવેદન શરમજનક છે. સાથે જ તેમણે કહ્યું હતું કે, તેઓ પણ ઈન્ડસ્ટ્રીનો જ એક ભાગ છે. તેમણે આખી ઈન્ડસ્ટ્રીને એક જ ત્રાજવે ન તોલવી જોઈએ.

  • ગુંજન સક્સેના ફિલ્મનો વિવાદ

કારગિલ યુદ્ધમાં ભાગ લેનાર એકમાત્ર મહિલા પાયલટ ગુંજન સક્સેના હોવાના દાવા સાથે તેના જીવન પર બનેલી બાયોપિક ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ ખૂબ જ વિવાદોમાં આવી હતી. ગુંજનના સાથી મહિલા પાયલટ્સે કહ્યું હતું કે, તેઓ પણ આ યુદ્ધમાં હતા. સાથે જ તેમાં ગુંજનનું સાથી પુરુષ અધિકારીઓએ અપમાન કર્યું હોવાનો પણ ઉલ્લેખ હતો. આ મામલે ભારતીય વાયુસેનાના પત્ર લખ્યો હતો અને ફિલ્મ પુરતા રિસર્ચ વગર બનાવવામાં આવી હોવાની વાત કરી હતી.

  • કંગના અને દિલજીતનો વિવાદ

દેશભરમાં કૃષિ આંદોલનની ચર્ચા છે. બોલીવુડના સેલેબ્સ પણ આ મામલે પોતાનું સ્ટેન્ડ રાખી રહ્યા હતા. જો કે આ વાત વિવાદમાં ત્યારે પલટાઈ જ્યારે કંગના રણૌત અને દિલજીત દોસાંજ વચ્ચે ટ્વિટર વૉર થયું. કંગનાના એક ટ્વીટ બાદ દિલજીતે તેને સંભળાવ્યું અને જાણે શાબ્દિક યુદ્ધ જામ્યું. દિલજીતે કંગનાએ શેર કરેલા વીડિયોને ખોટો ગણાવ્યો, તો કંગનાએ દિલજીતને 'કરણ જોહરનો પાલતુ' સુદ્ધા કહી દીધો હતો. બંનેનો ઝઘડો લાંબો ચાલ્યો હતો અને સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં આવ્યો હતો.

(4:58 pm IST)