Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

કોરોના કાળમાં રેલવેને મોટું નુકસાનઃ ભાડા વધારાની શકયતા

નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં માર્ચ સુધી યાત્રી ટ્રેનોના ચલાવવાને કારણે રેલવેને આશરે રૂ.૩૮,૦૦૦ કરોડના નુકસાનનો અંદાજ છે

અંબાલા, તા.૨૫: કોરોના કાળમાં રેલવે સ્પેશિયલ ટ્રેનોની સંખ્યા ભલે વધાર્યા કરે, પરંતુ હજી પણ ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)માં ટિકિટ બુકિંગનો આંકડા ગયા વર્ષની તુલનામાં દૈનિક ધોરણે અઢી લાખ ઓછા છે. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં માર્ચ સુધી યાત્રી ટ્રેનો ના ચલાવવાને કારણે રેલવેને આશરે રૂ. ૩૮,૦૦૦ કરોડના નુકસાનનો અંદાજ છે. આ નુકસાનની ભરપાઈ માટે નૂરભાડા અને રેલવે ભાડામાં કેટલો વધારો કરવામાં આવવો જોઈએ?- એના પર વિચારવિમર્શ શરૂ થયો છે.

આ નુકસાનથી અંબાલા રેલ મંડલ પણ બાકાત નથી. અંબાલા રેલ મંડલમાં જયાં ગયા નાણાકીય વર્ષમાં આવક રૂ. ૪૫૯ કરોડ હતી, જયારે ચાલુ નાણાકીય વર્ષમાં ઘટીને રૂ. ૨૩ કરોડ થઈ ગઈ છે. કોરોના કાળમાં રેલ સંચાલન બંધ થવાને કારણે સૌથી વધુ અસર રેલવે પર પડી છે.

ગયા વર્ષે રેલવેની આવક જયાં રૂ. ૫૩,૦૦૦ કરોડ હતી, જયારે આ આંકડો આ વખતે રૂ. ૪૬૦૦ કરોડ બતાવવામાં આવી રહી છે. માર્ચ, ૨૦૨૧ સુધી એ આવક રૂ. ૧૫,૦૦૦ કરોડે પહોંચવાની આશા છે. આવામાં રેલવેને ચાલુ નાણાકીય વર્ષમાં આશરે રૂ.૩૮,૦૦૦ કરોડના નુકસાન થવાનો અંદાજ છે.જોકે રેલવેએ સ્પેશિયલ ટ્રેનોમાં ૩૦ ટકા ભાડાવધારો કર્યો જ છે, પણ એનાથી નુકસાન સરભર નથી થઈ શકયું. જેથી રેલવે સામાન્ય પરિસ્થિતિ થવા પર ભાડા વધારો કરવા પર વિચાર કરી રહી છે.

(3:49 pm IST)