Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

કેટલાક લોકો ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે : MSP - મંડી મામલે અફવા ફેલાવાય છે : કૃષિ ખરડાથી નુકસાન નથી

નવો કૃષિ કાનુન ૧૦ કરોડ ખેડૂતો માટે વરદાનરૂપ છે : જે લોકોને પ્રજાએ નકારી કાઢયા તે ખેડૂતોને ભડકાવે છે : પીએમ : નવા કૃષિ કાનુનથી દેશમાં આધુનિક ખેતીના અવસર વધશે : કોઇની જમીન નહિ છીનવાય : ખેડૂતો સાથે સંવાદ : વિપક્ષ ઉપર પ્રહારો

નવી દિલ્હી તા. ૨૫ : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતીએ છ રાજયોના ખેડૂતો સાથે વાત કરી હતી. તેમણે પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો સાતમો હપ્તો વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા બટન દબાવીને નવ કરોડથી વધુ ખેડત લાભાર્થીઓનાં ખાતાંઓમાં રૂ. ૧૮,૦૦૦ કરોડ ટ્રાન્સફર કર્યા હતા. ખેડૂતોને સંબોધિત કરતાં મોદીએ કહ્યું હતું કે જયારથી યોજના શરૂ થઈ છે, ત્યારથી રૂ. ૧.૧૦ લાખ કરોડથી વધુની રકમ ખેડૂતોનાં ખાતાંઓમાં પહોંચી ચૂકી છે.

મોદીએ ખેડૂતોને સંબોધન કરતાં બંગાળ સરકાર પર નિશાન સાધ્યું હતું. મને એ વાતનો રંજ છે કે પશ્ચિમ બંગાળના ૭૦ લાખથી વધુ ખેડૂત ભાઈ-બહેનોને આનો લાભ નહીં મળી શકે. બંગાળના ૨૩ લાખથી વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરી ચૂકયા છે, પણ રાજય સરકારે વેરિફિકેશનની પ્રક્રિયાને એટલા લાંબા સમયથી અટકાવી રાખી છે. તેમણે કહ્યું હતું કે સ્વાર્થનું રાજકારણ કરતા પક્ષો પશ્ચિમ બંગાળમાં ખેડૂતોના થતા નુકસાન પર કંઈ પણ બોલતા

નથી. આ પક્ષો ખેડૂતોને નામે દિલ્હીના નાગરિકોની હેરાનગતિ કરવામાં લાગેલા છે. તેઓ દેશના અર્થતંત્રને બરબાદ કરવામાં લાગ્યા છે. જે લોકો ખેડૂતોને નામે આંદોલન કરી રહ્યા છે, તેમણે સ્વામિનાથન કમિટીનો રિપોર્ટ લાગુ નથી કર્યો? અમે સ્વામિનાથન કમિટીનો રિપોર્ટ કાઢ્યો અને એને લાગુ કર્યો છે.

વડાપ્રધાને કહ્યું કે, કેટલાક લોકો ચર્ચામાં આવવા માટે ઇવેન્ટ કરી રહ્યા છે ને બંગાળની સ્થિતિ પર ચૂપ છે. તેઓ દિલ્હીમાં અર્થનીતિ રોકવામાં લાગેલા છે. જેઓએ દિલ્હીમાં ઘેરી દીધું છે. તેમને કેરળ નથી દેખાતું. કેરળમાં પણ APMC, માર્કેટ નથી, ત્યાં તેઓ આંદોલન નથી કરતા. તથ્ય વગર જ રાજનીતિ કરીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. મોદીએ કહ્યું કે, ખેડૂતોને બદનામ કરી કેટલાક લોકો પોતાની રાજનીતિ ચમકાવી રહ્યા છે. પહેલાની સરકારોની નીતિના કારણે ખેડૂત બરબાદ થયા, જેમની પાસે ઓછી જમીન હતી. પીએમ મોદીએ કહ્યું કે અમારી સરકારે આધુનિક ખેતીને લઈને બળ આપ્યું. વડાપ્રધાને કહ્યું કે અમારૃં ફોકસ ખેડૂતોના ખર્ચને ઓછું કરવા પર કર્યું. પીએમ પાક વીમા યોજના, કિસાન કાર્ડ, સન્માન નિધિ યોજનાની મદદથી ખેતીને સરળ કરવામાં આવી છે. સુશાસન દિવસના અવસરે ખેડૂતો સાથે સંવાદ શરૂ કરતાં પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બટન દબાવીને ૯ કરોડ ખેડૂતોના ખાતામાં ૧૮ હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે.ખેડૂતો સાથે સંવાદ કર્યા બાદ વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું કે, ખેડૂતોની યોજનાઓમાં ભ્રષ્ટાચારને અટલ બિહારી વાજપેયી રોગ માનતા હતા.

વડાપ્રધાન મોદીએ ખેડૂતોના બેંક ખાતામાં નાણા ટ્રાન્સફર કર્યા બાદ અરૂણાચલ પ્રદેશ, ઓડિશા, મધ્ય પ્રદેશ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ,મહારાષ્ટ્ર રાજયના ખેડૂતો સાથે સંવાદ કર્યો.ખેડૂતો સાથે સંવાદ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વિપક્ષ કોન્ટ્રાકટ ફાર્મિંગ પર ભ્રમ ફેલાવી રહ્યું છે.ખેડૂતો સાથેના સંવાદ દરમિયાન વડાપ્રધાને અન્નદાતાઓને વિનંતી કરી કે, કિસાન ક્રેડિટ કાર્ડના ફાયદાઓ વિશેની જાણકારી બીજા ખેડૂતોને જણાવો. કિસાન ક્રેડિટ કાર્ડમાં વ્યાજ દર સૌથી ઓછા હોય છે.મધ્ય પ્રદેશના ખેડૂતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યું કે, નવા કાયદાથી ઘણો ફાયદો થયો છે.

ખાનગી કંપનીએ ફકત તમારો પાક ખરીદ્યો કે જમીન પણ લઇ લીધી? અરૂણાચલ પ્રદેશના ગગન પેરિંગને જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રશ્ન પૂછયો તો તેઓને થોડું આશ્ચર્ય થયું. તેમણે જવાબ આપ્યો કે ઉત્પાદનને લઇ જવા માટે એગ્રીમેન્ટ થયો છે જમીનનો નહીં. પીએમ કિસાન સમ્માન નિધિના આગામી હપ્તાને રજૂ કરતા સમયે પીએમ મોદીએ આ પ્રશ્ન અનાયાસે જ પૂછ્યો નહોતો. તેઓ પોતાના પ્રશ્નો દ્વારા તેમની સરકાર તરફથી લાવવામાં આવેલા કૃષિ કાયદાનો વિરોધીઓને જવાબ આપી રહ્યા હતા. મોદીએ ખેડૂતોને એ આશંકાઓને લઇ પ્રશ્ન કર્યા જેનો ઉલ્લેખ પ્રદર્શનકારી કિસાન સંગઠન કરી રહ્યું છે.

કાર્યક્રમમાં અરૂણાચલ પ્રદેશના ગગન પેરિંગનો નંબર આવ્યો. પીએમ મોદીએ તેમને પૂછ્યું કે તેઓ પીએમ ખેડૂત પાસેથી મળેલા પૈસાનું શું કરે છે? ગગને કહ્યું કે તેમણે ઓર્ગેનિક ખાતર ખરીદ્યું છે. વડાપ્રધાને તેમને પૂછ્યું કે જે કંપની સાથે તમે ઓર્ગેનિક ખેતી માટે ટાઇઅપ કર્યું છે તે ફકત પાક લઇ જાય છે કે જમીન પણ? ગગને જવાબ આપ્યો કે ફકત પાક જ લઇ જાય છે. આ અંગે પીએમ મોદીએ કહ્યું હતું કે તમે આટલા દૂર અરૂણાચલમાં બેઠા છો અને એમ કહી રહ્યા છો કે તમારી જમીન સલામત છે પરંતુ અહીં ખેડૂતોની વચ્ચે ભ્રમ ફેલાવામાં આવી રહ્યો છે કે ખેડૂતોની જમીન લઇ લેવામાં આવશે.

પીએમ મોદીએ ઉત્તર પ્રદેશના મહારાજગંજમાં ખેતી કરનારા શ્રીરામ ગુલાબને પૂછ્યું કે, જો અમદાવાદની કંપની તમારી પાસેથી માલ ખરીદે છે તો તમે તેમને પૂરા પૈસા ચૂકવી રહી છે? તેના જવાબમાં ગુલાબે કહ્યું કે કંપની પ્રોડકટ ઘરેથી લઇ જાય છે અને કોઈ વચેટિયા નથી. ત્યારબાદ પીએમ મોદીએ કહ્યું કે નવા કૃષિ સુધારણાને લીધે તમને સૌથી મોટો ફાયદો થશે, તમે એવું વિચારો છો? જમીન તો જતી નહીં રહે ન? જયારે ખેડૂતે કહ્યું કે ના તો વડાપ્રધાને કહ્યું કે જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યા છે જી. જયારે તમારા જેવા લોકો બોલે છે તો વિશ્વાસ વધે છે.

હરિયાણાના ફતેહાબાદના હરિસિંહ બિશ્નોઇએ વડાપ્રધાનને કહ્યું કે તેઓ ચાર ભાઈ થઇ ૪૦ એકર જમીનમાં ખેતી કરે છે. પરિવારમાં ૧૫ સભ્યો છે. સિંહે કહ્યું કે હવે તેમનો ટ્રેન્ડ બાગાયત પાક તરફ છે. ૧૦ એકરમાં બાગાયતી પાકની વાવણી કરી રાખી છે. વડાપ્રધાને પૂછ્યું કે તમે દિલ્હીમાં માલ વેચો છે તો તેમણે કહ્યું કે ના, તેઓ નાની-નાની મંડળીઓમાં વેચતા હતા. પીએમએ પૂછ્યું કે તમને પહેલાથી સારા પૈસા મળે છે કે નહીં? તેના પર સિંહે જવાબ આપ્યો કે તેમને પૂરા પૈસા મળે છે.

મોદીએ તેમના સંબોધનમાં આડકતરી રીતે ખેડૂત આંદોલનનો ઉલ્લેખ કર્યો હતો. મોદીએ કહ્યું કે મને આજે એ વાતનો અફસોસ છે કે મારા પશ્ચિમ બંગાળના ૭૦ લાખથી પણ વધુ ખેડુત ભાઈ-બહેનોને આ લાભ મળી શકતો નથી. બંગાળના ૨૩ લાખથી વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લેવા ઓનલાઇન અરજી કરી ચૂકયા છે. પરંતુ રાજય સરકારે આટલા લાંબા સમયથી વેરિફિકેશન પ્રક્રિયા રોકી રાખી છે. જે પક્ષો પશ્ચિમ બંગાળમાં ખેડૂતોના હિતની વાત કરતા નથી, તેઓ અહીં દિલ્હીમાં આવીને ખેડૂતોની વાતો કરે છે. આ પાર્ટીઓને આજકાલ ઘણી બધી એપીએમસી-મંડીઓની યાદ આવી રહી છે. પરંતુ આ પક્ષો વારંવાર ભૂલી જાય છે કે કેરળમાં એપીએમસી-મંડીઓ છે જ નહીં. કેરળમાં આ લોકો કયારેય આંદોલન કરતા નથી.

(3:14 pm IST)