Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

દુનિયાના ૪૦થી વધારે દેશોમાં નથી ઉજવાતી ક્રિસમસ : કયાંક સજા તો કયાંક ખતરારૂપ છે ઉજવણી

નવી દિલ્હી તા. ૨૫ : ભારત સહિત દુનિયામાં અનેક દેશો છે જયાં કોરોનાના કારણે ક્રિસમસ ન ઉજવવાની અપીલ કરાઈ છે. પરંતુ ૪૦થી વધુ દેશ દુનિયામાં એવા છે જયાં ક્રિસમસની પરંપરા નથી. કયાંક તો ઉજવણી માટે સજા મળે છે તો કયાંક તેને ખતરારૂપ ગણવામાં આવે છે.

એક રિસર્ચ અનુસાર ૨૦૧૦ની વસ્તીને ધ્યાનમાં રાખીને દુનિયાનો સૌથી ફેલાયેલો ધર્મ ઈસાઈ છે. દુનિયાની ૩૧ ટકા વસ્તી ઈસાઈની છે. એટલે કે ૭૦ ટકા લોકો એવા છે જે ઈસાઈ નથી અને તેઓ ક્રિસમસ મનાવતા નથી. જો આબાદી સિવાયના દેશની વાત કરીએ તો ૨૦૦માંથી ૪૦ દેશ એવા છે જયાં ક્રિસમસ કોઈ ખાસ તહેવાર નથી.

બિન ઈસાઈ દેશમાં ૪૩ દેશ એવા છે જયાં ૨૫ ડિસેમ્બર સામાન્ય દિવસ છે. આ દિવસે સાર્વજનિક રજા હોતી નથી. તેમાંથી અડધાથી વધારે દેશ એવા છે જયાં ક્રિસમસ મનાવાય છે અને ક્રિસમસની સજાવટ, ગિફટ પર ધૂમ ખર્ચ પણ થાય છે. પણ ૧૮ દેશ એવા છે જયાં ક્રિસમસ મનાવાતી નથી.

અફઘાનિસ્તાનમાં ક્રિસમસ ઉજવવી જોખમથી ઓછું નથી. અહીં ૧૯૯૦ના દશકથી તાલિબાનની સમાંતર હકૂમત છે. ઈસાઈ દેશોની સાથે અહીં એક સંઘર્ષ સતત જોવા મળી રહ્યો છે અને કોઈ ક્રિસમસ મનાવે તો તેને ખતરો ઉઠાવવો પડે છે. ઈસ્લામી દેશોમાં ક્રિસમસ ઉજવાતી નથી. ઈસ્લામિક દેશ બ્રુનેઈમાં સાર્વજનિક રીતે ક્રિસમસ ન ઉજવવાનો નિયમ છે. નિયમ તોડવા માટે ૫ વર્ષની જેલની સજા અને સાથે ૨૦૦૦૦ ડોલરનો દંડ ભરવો પડે છે.

ભૂટાનમાં ઈસાઈઓની આબાદી લગભગ ૧૦૦૦૦ છે અને દેશની લગભગ ૧ ટકા, બૌદ્ઘ ધર્મના આ દેશના કેલેન્ડરમાં ક્રિસમસ કોઈ તહેવાર નથી, બૌદ્ઘ આબાદીના મંગોલિયામાં ક્રિસમસ ઉજવાતી નથી. જો કે અહીં ઈસાઈ આબાદી છે. મોરિટેનિયાએ પોતાની વસ્તીના આધારે ૧૦૦ ટકા આબાદી મુસ્લિમ હોવાનું જણાવ્યું છે.

(3:03 pm IST)