Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

દિલ્હી દંગાના આરોપીઓના વકીલ મહમુદ પ્રાચાની ઓફીસ પર દરોડા

બે લેપટોપ, કોમ્પ્યુટર સહિતનો સામાન જપ્તઃ પ્રશાંત ભૂષણે ટવીટ કરી કાર્યવાહીનો વિરોધ વ્યકત કર્યો

નવી દિલ્હી તા. રપઃ દિલ્હી પોલિસના સ્પેશ્યલ સેલે વકીલ મહમુદ પ્રાચાની નિઝામુદ્દીન ખાતેની ઓફિસ અને યમુના વિહાર ખાતેની એક અન્ય વકીલની ઓફીસમાં ગઇકાલે દરોડો પાડયો હતો. કાર્યવાહી દરમ્યાન પોલિસે મહમૂદ પ્રાચાની ઓફીસમાંથી બે લેપટોપ-કોમ્પ્યુટર સહિતનો અન્ય સામાન જપ્ત કર્યો છે. દરોડા પછી વિવાદ ઉભો થયો છે. પ્રશાંત ભૂષણ સહિત અન્યોએ ટવીટ કરીને કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. કાર્યવાહી મોડી રાત સુધી ચાલતી રહી હતી.

વકીલ મહમૂદ પ્રાચા દિલ્હી દંગાના આરોપીઓની પેરવી કરી રહ્યા છે. એક આરોપીના જામીનના નોટરી પેપરો બોગસ જણાયા હતા. જે નોટરીવાળા પાસે પેપરો સર્ટીફાઇડ કરાવાયા હતા તે જીવતો નથી. તેનું ત્રણ વર્ષ પહેલા મોત થયું છે. તેની પત્ની વકીલ છે. એફીડેવીટ પર પ્રાચાની સહી છે. આ બધું મળી આવ્યા પછી અદાલતે દિલ્હી પોલિસ કમિશ્નરને આ કેસમાં તપાસના આદેશ આપ્યા હતા. પોલિસે દાવો કર્યો છે કે તેમની પાસે સર્ચ વોરંટ હતું અને વકીલ પ્રાચાની ફર્મના ઓફીશ્યલ ઇમેલ આઇડીના આઉટ કમીંગ દસ્તાવેજ અને મેટા ડેટાની તપાસ કરાઇ રહી છે.

મહમૂદ પ્રાચા ઓલ ઇન્ડીયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્ય છે અને સુપ્રિમ કોર્ટના વકીલ છે. પ્રાચાનું કહેવું છે કે પોલીસ તેના લેપટોપને ચેક કરી શકે પણ જપ્ત ન કરી શકે. જપ્તી કરીને પોલીસે કોર્ટના આદેશોનું ઉલ્લંઘન કર્યું છે.

(3:03 pm IST)