Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

રિપબ્લીક ટીવી પર અર્ણબ ગોસ્વામીનો દાવો

ખેડૂતોના નામે છેતરપિંડી કરી રહ્યા છે રાહુલ ગાંધી અને વાડ્રાઃ બે કરોડ ખેડુતોની સહીવાળો કાગળ છે એક ગોટાળો

નવી દિલ્હી, તા.૨૫: મોદી સરકારના ત્રણે કૃષિ બિલો વિરૂધ્ધ દેશભરમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે, પંજાબ સહિત કેટલાય અન્ય રાજયોમાંથી આવેલા લાખો ખેડૂતો દિલ્હીની અલગ બોર્ડરો પર જમા થયા છે. આની વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિને એક કાગળ સોંપ્યો છે. જેને લઇને ઘમસાણ મચ્યું છે. કોંગ્રેસ અનુસાર, તેમાં બે કરોડ ખેડૂતોની સહી છે. જો કે રિપબ્લીક ટીવીના એડીટર અર્ણબ ગોસ્વામીએ એવો દાવો કર્યો છે કે આ કાગળ નકલી છે અને તેમાં કરવામાં આવેલ સહીઓ બોગસ છે.

રિપબ્લીક ટીવીના ડીબેટ શો 'પૂછતા હૈ ભારત'માં અર્ણબ ગોસ્વામીએ કહ્યું છે કે આ એક કૌભાંડ છે. પોતાના આ તર્ક માટે અર્ણબે દલીલો રજૂ કરતા કહ્યું છે કે જયારે અમે કોંગ્રેસના લોકો પાસે આ લીસ્ટ જોવા માંગ્યું તો તેઓ કાગળ છીનવીને ભાગવા લાગ્યા. એટલું જ નહીં જયારે અમારા રિપોર્ટરોએ આંદોલન કરી રહેલા ખેડૂતોને આ બાબતે પૂછયું તો તેમણે આશ્ચર્ય વ્યકત કરતા કહ્યું કે આવું કેવી રીતે બની શકે કેમ કે કોંગ્રેસના લોકો તો અમારી પાસે આવ્યા જ નથી. આ ઉપરાંત અર્નબે એવો પણ દાવો કર્યો છે કે રાષ્ટ્રપતિને સોંપાયેલ કાગળમાં ખેડૂતોના ફોન નંબર અને સરનામાનો ઉલ્લેખ જ નથી. આ ઉપરાંત અર્ણબે રાહુલ ગાંધી પર હુમલો કરતા કહ્યું કે તમે ખેડૂતો સાથે છેતરપિંડી કરી રહ્યા છો. એટલું જ નહીં તમે ખેડૂત આંદોલનમાં તમારી રાજકીય સંજીવની જોઇ રહ્યા છો. અર્ણબે કોંગ્રેસ પર હુમલો કરતા કહ્યું કે પહેલા તો તમે કૃષિક્ષેત્રમાં ખાનગીક્ષેત્રના રોકાણની વકીલાત કરતા હતા પણ હવે જયારે વર્તમાન સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માંગે છે, તેમને રાજકીય સ્વતંત્રતા  આપવા ઇચ્છે છે ત્યારે તમે ફરી જાવ છો. તમારે દેશની જનતાને જવાબ આપવો જોઇએ કે તમે તેમની સાથે છેતરપિંડી શું કામ કરી રહ્યા છો.

(3:02 pm IST)