Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

પ્રધાનમંત્રી મોદીએ સંસદ ભવનમાં અટલજીના ભાષણોનું સંકલન કરતા પુસ્તકનું વિમોચન કર્યું

'સંસદ મેં અટલ બિહારી વાજપેયી: એક સ્મૃતિ ખંડ' નામના આ પુસ્તકના વિમોચન પૂર્વે અટલજીના કેટલાક વિશેષ ભાષણો બતાવવામાં આવ્યા હતા

નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને સંસદના વરિષ્ઠ સભ્યો સાથે સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં સંસદમાં પૂર્વ વડા પ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયી દ્વારા અપાયેલા ભાષણોનું સંકલન કરતા પુસ્તકનું વિમોચન કર્યું હતું.

'સંસદ મેં અટલ બિહારી વાજપેયી: એક સ્મૃતિ ખંડ' નામના આ પુસ્તકના વિમોચન પ્રસંગે રાજ્યસભામાં વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદ અને લોકસભામાં કોંગ્રેસ પાર્ટીના નેતા અધિર રંજન ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.પુસ્તક વિમોચન પૂર્વે અટલજીના કેટલાક વિશેષ ભાષણો બતાવવામાં આવ્યા હતા.

આ અગાઉ વડા પ્રધાન અને અન્ય વરિષ્ઠ નેતાઓએ સંસદના સેન્ટ્રલ ગૃહમાં અટલ બિહારી વાજપેયી અને સ્વાતંત્ર્ય સેનાની મદન મોહન માલવીયા ના ચિત્રો પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

ભારત રત્નથી સન્માનિત પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે 96 મી જન્મજયંતિ છે. આ દિવસને ગુડ ગવર્નન્સ ડે તરીકે પણ ઉજવવામાં આવે છે.

લોકસભા સચિવાલય દ્વારા પ્રકાશિત આ પુસ્તકમાં અટલજીના જીવન સહિત સંસદમાં તેમના દ્વારા કરવામાં આવેલા નોંધપાત્ર ભાષણોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પુસ્તકમાં અટલજી ના જાહેર જીવન સાથે જોડાયેલા કેટલાક દુર્લભ ફોટોગ્રાફ્સ પણ છે.

અટલ બિહારી વાજપેયી 10 વખત લોકસભામાં અને બે વખત રાજ્યસભામાં ચૂંટાયા હતા. વર્ષ 2015 માં દેશના સર્વોત્તમ અને અસાધારણ યોગદાન બદલ તેમને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન "ભારત રત્ન" થી નવાજવામાં આવ્યા હતા. 1992 ની શરૂઆતમાં, તેમને દેશનો બીજો સર્વોચ્ચ નાગરિક સન્માન "પદ્મ વિભૂષણ" થી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. સાંસદ તરીકે, તેમને વર્ષ 1994 માં "પંડિત ગોવિંદ બલ્લભ પંત ઉત્કૃષ્ટ સંસદીય એવોર્ડ" થી નવાજવામાં આવ્યા હતા.

(12:45 pm IST)