Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

કાલથી બોકસીંગ ડે ટેસ્ટ : શુભમન ગીલ - મોહમ્મદ સિરાજ ડેબ્યુ કરશે

ભારત સામે ઓસ્ટ્રેલિયા ૧૦૦મો ટેસ્ટ રમશે : ઈંગ્લેન્ડ બાદ બીજો દેશ બનશે : બેટીંગ અને બોલીંગ લાઈનઅપમાં પણ ફેરફાર થવાની પૂરી શકયતા : જાડેજાને સ્થાન મળશે?: મોહમ્મદ શિરાજ ડેબ્યુ કરે તેવી સંભાવના : અજીન્કીયા રહાણેની સેના ઉપર જીતનું ભારે દબાણ : કાલે સવારે ૫ વાગ્યાથી લાઈવ પ્રસારણ

નવી દિલ્હી : મેલબોર્નમાં ભારત સામે ઓસ્ટ્રેલિયા ૧૦૦મી ટેસ્ટ રમશે ત્યારે ક્રિકેટ જગતમાં ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ બાદ બીજો દેશ બનશે. ભારતીય ટીમ ૨૬મી ડિસેમ્બરથી ઓસ્ટ્રેલિયા સામે મેલબોર્ન ખાતે બીજી ટેસ્ટ મેચ રમશે અને આ બોકસીંગ ડે ટેસ્ટ ઉપર તમામની નજર રહેશે એડીલેડ ટેસ્ટ હાર્યા બાદ ભારત ઉપર વળતો પ્રહાર કરીને શ્રેણીને જીવંત રાખવાનું દબાણ રહેશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ આવતીકાલે એટલે કે ૨૬ ડિસેમ્બરથી મેલબોર્નમાં રમાશે. બોકસીંગ ડે ટેસ્ટ મેચમાંથી એક દિવસ પહેલા,  ટીમ ઈન્ડિયાએ તેના પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી છે. આ મેચમાં અજિંકય રહાણે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની જગ્યા લેશે.

યુવા બેટ્સમેન શુભમેન ગિલને તેની ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક મળી છે. પૃથ્વી શોની જગ્યાએ શુભમન ગિલને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. આશ્ચર્યજનક બાબત કે.એલ.રાહુલની શ્રેષ્ઠ ફોર્મમાં હોવા છતાં મેલબોર્ન ટેસ્ટમાં પસંદગી થઈ નહોતી. વિરાટની ગેરહાજરીમાં કેએલ રાહુલ સૌથી મજબૂત બેટ્સમેન છે.

મેલબોર્ન ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાના પ્લેઇંગ ઇલેવનમાં ચાર ફેરફાર કરવામાં આવ્યા છે. શુભમન ગિલ પૃથ્વી શોની જગ્યાએ મયંક અગ્રવાલ સાથે ખોલશે.

વિકેટકીપર બેટ્સમેન તરીકે ઋષભ પંતને પ્લેઇંગ ઇલેવનમાં શામેલ કરવામાં આવ્યો છે. પ્લેઇંગ ઇલેવનમાંથી રિદ્ઘિમાન સાહાને બહાર કરી દેવામાં આવ્યો છે.

કોને તક મળશે

૧. અજિંકય રહાણે (કેપ્ટન), ૨. મયંક અગ્રવાલ, ૩ શુભમન ગિલ (ડેબ્યુ), ૪ ચેતેશ્વર પુજારા (ઉપ-કેપ્ટન), ૫,હનુમા વિહારી, ઋષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, ૮.આર. અશ્વિન, ૯. ઉમેશ યાદવ, ૧૦. જસપ્રીત બુમરાહ, ૧૧. મોહમ્મદ સિરાજ (ડેબ્યુ)

ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને કાંડામાં ઈજાના કારણે ૬ અઠવાડિયાથી ટીમ ઈન્ડિયાની બહાર રહેલા મોહમ્મદ શમીની જગ્યાએ ડેબ્યૂ કરવાની તક મળી છે. વિરાટ કોહલીની જગ્યાએ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે.

કેપ્ટન વિરાટ કોહલી હવે ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટેસ્ટ ટીમનો ભાગ નથી. કોહલી પોતાના પહેલા બાળકના જન્મ માટે ભારત પરત આવ્યો છે. વિરાટ કોહલીની ગેરહાજરીમાં અજિંકય રહાણે ત્રીજી વખત ટેસ્ટ ટીમમાં કેપ્ટન બનશે.

મેચ ભારતીય સમય મુજબ આવતીકાલે સવારે ૫ વાગ્યે શરૂ થશે.

(3:51 pm IST)