Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

હિંસા, પૂર અને કોરોના

દુનિયાના ચાર દેશો પર તોળાઈ રહ્યો છે ભૂખમરાનો ખતરો

યમન, બુર્કિના ફાસો, નાઈજેરિયા અને દક્ષિણ સુદાનના ઘણા ભાગોમાં ભૂખમરાની સ્થિતિ ઊભી થઈ શકે છે

લેકુઆંગોલે, તા.૨૫: ૨૧મી સદીમાં પણ દુનિયામાં દ્યણા દેશ એવા છે, જયાં આવનારા દિવસોમાં ભૂખમરાની સ્થિતિ ઊભી થઈ શકે છે. સંયુકત રાષ્ટ્રએ ચેતવણી આપતા કહ્યું છે કે, યમન, બુર્કિના ફાસો અને નાઈજેરિયા સહિત દક્ષિણ સુદાનના ઘણા ભાગો પર ભૂખમારાનો ખતરો તોળાઈ રહ્યો છે. તેમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ દક્ષિણ સુદાનની થવાની છે. આ દેશ લાંબા સમયથી હિંસાનો સામનો કરી રહ્યો છે. ઉપરાંત પૂર અને કોરાના વાયરસે લોકોની આજીવિકાને અસ્ત-વ્યસ્ત કરી દીધી છે.

દક્ષિણ સુદાનના પિબોર કાઉન્ટીને આ વર્ષે ભયાનક હિંસા અને અભૂતપૂર્વ પૂરનો સામનો કરવો પડ્યો હતો. દેશના લેકુઆંગોલે શહેરમાં સાત પરિવારોએ મીડિયાને જણાવ્યું કે, ફેબ્રુઆરીથી નવેમ્બરની વચ્ચે તેમના ૧૩ બાળકો ભૂખથી મરી ગયા. લેકુઆંગોલેની સરકારના હેડ પીટર ગોલુએ કહ્યું કે, તેમને સમાચાર મળ્યા છે કે, સપ્ટેમ્બરથી ડિસેમ્બરની વચ્ચે ત્યાં અને આસપાસના ગામોમાં ૧૭ બાળકોના ભૂખથી મોત થયા છે.

'ઇન્ટીગ્રેટેડ ફૂડ સિકયોરિટી ફેઝ કલાસિફિકેશન' દ્વારા આ મહિને બહાર પડાયેલા દુકાળ સમીક્ષા સમિતિના રિપોર્ટમાં અપૂરતા આંકડાને કારણે દુકાળ જાહેર કરી શકાયો નથી. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, દક્ષિણ સુદાનમાં દુકાળની સ્થિતિ છે. તેનો અર્થ છે કે, ઓછામાં ઓછા ૨૦ ટકા પરિવારોને ભોજનના સંકટનો સામનો કરવો પડી રહ્યો છે.

તે ઉપરાંત દક્ષિણ સુદાનમાં ઓછામાં ઓછા ૩૦ ટકા બાળકો ગંભીર રીતે કુપોષણનો શિકાર છે. જોકે, દક્ષિણ સુદાન સરકાર રિપોર્ટના તારણ સાથે સંમત નથી. સરકારનું કહેવું છે કે, જો દુકાળની સ્થિતિ છે તો તેને નિષ્ફળતા તરીકે જોવામાં આવશે. દક્ષિણ સુદાન, પાંચ વર્ષ સુધી ચાલેલા ગૃહ યુદ્ઘમાંથી બહાર આવવા સંઘર્ષ કરી રહ્યું છે. ખાદ્ય સુરક્ષા એકસપર્ટસનું માનવું છે કે, ભૂખનું સંકટ જંગની સ્થિતિ સતત રહેવાના કારણે ઉત્પન્ન થઈ છે.

દક્ષિણ સુદાનની ખાદ્ય સુરક્ષા સમિતિના અધ્યક્ષ જોન પંગેચે કહ્યું કે, 'તે લોકો અનુમાન લગાવી રહ્યા છે... અમે અહીં હકીકત પર વાત કરીએ છીએ. તેઓ વાસ્તવિક સ્થિતિ નથી જાણતા.' સરકારનું કહેવું છે કે, દેશમાં ૧૧,૦૦૦ લોકો ભૂખમરાની નજીક છે અને તે, ખાદ્ય સુરક્ષા એકસપર્ટસની રિપોર્ટમાં બતાવાયેલા ૧,૦૫,૦૦૦ના અંદાજ કરતા ઘણા ઓછા છે.

આ સંકટ પર વર્લ્ડ પીસ ફાઉન્ડેશનના કાર્યકારી ડિરેકટર એલેકસ ડી વાલે કહ્યું કે, જે કંઈપણ થઈ રહ્યું છે, દક્ષિણ સુદાન સરકાર તેની ગંભીરતાને નજરઅંદાજ તો કરી જ રહી છે, તે ઉપરાંત એ હકીકતને પણ નકારી રહી છે કે આ સંકટ ઊભું થયું તેના માટે સરકારની પોતાની નીતિઓ અને સૈન્ય રણનીતિ જવાબદાર છે.

(11:22 am IST)