Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

૨૦૨૦માં સોનાએ આપ્યું ૨૮ ટકા રિટર્ન

ચાલુ વર્ષે ભાવ પહોંચ્યા હતા ૫૬૨૦૦: ચાંદી પણ ચમકી

મુંબઈ,તા.૨૫: કોવિડ- ૧૯ મહામારીથી મૂડીબજાર પર છબાયેલા જોખમના કારણે ૨૦૨૦માં સોનું રોકાણકારોની પહેલી પસંદ રહ્યું હતું. આ વર્ષે સોના પર લગભગ ૨૮ ટકાનું રીટર્ન મળ્યું જે ૨૦૧૧માં મળેલ ૩૧.૧ ટકા પછીનું સૌથી વધારે રીટર્ન છે. સોના પર ૧૫ વર્ષોમાં સરેરાશ ૧૪.૧નું જોરદાર રીટર્ન મળ્યું છે.

વિશ્લેષકો અનુસાર, વૈશ્વિક સ્તરે સોનાની કિંમતોમાં આવેલ તેજીની અસર ઘરેલુ સોની બજાર પર પણ થઈ છે. વૈશ્વિક બજારમાં આ વર્ષે સોનાના ભાવ ૨૩ ટકાથી પણ વધારે વધ્યા છે. આના કારણે ઓગસ્ટમાં ભારતીય બજારમાં સોનાના ભાવ રેકોર્ડ ૫૬૨૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામે પહોંચ્યા હતા. જો કે ત્યારથી એમાં ૧૦ ટકાથી વધારેનો ઘટાડો થઈ ચુકયો છે અને અત્યાર સુધી કુલ રીટર્ન ૨૭.૭ ટકા રહ્યું છે.

રેટીંગ એજન્સી ક્રેડીટ સુઈસનું કહેવું છે કે આવતા વર્ષે જુલાઈ- સપ્ટેમ્બર ત્રિમાસીક સુધીમાં સોનાના ભાવ ૨૦ટકાથી વધારે વધી શકે છે. દિલ્હીમાં બુલિયન એન્ડ જવેલર્સ એસોસીએશનના પ્રમુખ વિમલ ગોયલે પણ અનુમાન કર્યું છે કે એક- દોઢ વર્ષ સુધી સોનું પોતાના ઉચ્ચતમ સ્તરે રહેશે. ગોલ્ડમેન સોકસે પણ ૨૦૨૧માં સોનાના ભાવ વધવાની આશા વ્યકત કરતા કહ્યું કે બિટકોઈનના પ્રસારની આના પર ખાસ અસરનહીં પડે. જો કે એકસીસી સિકયોરીટીઝે કોરોના રસી આવ્યા પછી સોનાના ભાવ ઘટવાનું અનુમાન લગાવ્યું છે. આ ફર્મનું કહેવું છે કે લોકો હવે શેર અને મ્યુચ્યલ ફંડો જેવી જોખમી સંપતિઓમાં રોકાણ કરવા લાગ્યા છે.

(11:18 am IST)