Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

સરકારનો સંકેતઃ જાન્યુ.થી તબક્કાવાર શિક્ષણકાર્ય

હાયર સેકન્ડરી સ્કુલો-કોલેજો-યુનિ.શરૂ કરવા વિચાર

અમદાવાદ, તા.૨૫: દિવાળી બાદ રાજયમાં કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો જોવા મળ્યો હતો, જે હવે કન્ટ્રોલમાં આવી ગયા છે. એવામાં રાજય સરકાર ફરી એકવાર હાયર સેકન્ડરી સ્કૂલો, કોલેજો અને યુનિવર્સિટીઓને તબક્કાવાર શરૂ કરવાના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. રાજયના પાટનગરમાં શિક્ષકો સાથે સંવાદ કર્યા બાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાએ સંકેતો આપ્યા હતા કે રાજય સરકાર ઉચ્ચ શિક્ષણ સંસ્થાનો અને હાઈસ્કૂલને તબક્કાવાર શરૂ કરવા અંગે વિચારી રહી છે.

જોકે સરકાર યુનિવર્સિટીઓ, કોલેજો અને હાયર સેકન્ડરી સ્કૂલોને કયારે શરૂ કરવા માટે વિચારી રહી છે, તેની કોઈ સ્પષ્ટ તારીખ જણાવવાનું ચુડાસમાએ ટાળ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ મુદ્દાની ચર્ચા સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતાવાળી હાઈ પાવર કમિટીમાં કરવામાં આવશે.

ચુડાસમાએ કહ્યું કે, 'શિક્ષણવિદો સાથે આજની અને હાલની ચર્ચા દરમિયાન કોલેજો, યુનિવર્સિટીઓ તથા સ્કૂલોને ફરીથી ખોલવાના સૂચના પર ચર્ચા કરવામાં આવી હતી. એજયુકેશન સેકટરને તબક્કાવાર શરૂ કરવા માટે આ સૂચનો પર મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતાવાળી હાઈ-લેવલ કમિટીમાં ચર્ચા કરવામાં આવશે.' તેમણે ઉમેર્યું કે, આ મુદ્દાની હાઈ-પાવર કમિટીમાં ચર્ચા ન થાય ત્યાં સુધી તેઓ તેના પર કોઈ કમેન્ટ કરશે નહીં.

શિક્ષણ વિભાગમાં ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે, પહેલા તબક્કામાં સરકાર જાન્યુઆરીના મધ્યથી યુનિવર્સિટીઓ, હાયર સેકન્ડરી સ્કૂલો તથા કોલેજો શરૂ કરવાનું વિચારી રહી છે. કોલેજો, યુનિવર્સિટીઓ અને હાયર સેકન્ડરી સ્કૂલો શરૂ કરવાથી વાર્ષિક પરીક્ષા લેવામાં પણ મદદ રહેશે. પ્રાઈમરી સ્કૂલની વાત રહી તો સરકાર હજુ તેના માટે થોડા સમય સુધી રાહ જોશે.

(11:17 am IST)