Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

૯ કરોડ ખેડૂતોના ખાતામાં ઠલવાયા ૧૮૦૦૦ કરોડ

પ્રધાનમંત્રી કિસાન સન્માન નીધિ હેઠળ આપવામાં આવી સહાયઃ દેશના અનેક ભાગોમાં કાર્યક્રમોઃ પીએમ મોદી દ્વારા ૬ રાજયોનાં ખેડૂતો સાથે સંવાદઃ ભાજપે પીએમના કાર્યક્રમને ઉત્સવ તરીકે મનાવ્યો

નવી દિલ્હી, તા.૨૫: પ્રધાનમંત્રી કિસાન સમ્માન નીધિ હેઠળ પીએમ મોદી આજે દેશના ૯ કરોડ ખેડૂતોના ખાતામાં ૧૮૦૦૦ કરોડની સમ્માન નીધિ ટ્રાન્સફર કરી રહ્યા છે. ભાજપે આ પ્રસંગને ઉત્સવ તરીકે મનાવ્યો છે. આ દરમ્યાન પીએમ મોદી વીડીયો કોન્ફરન્સના માધ્યમથી ૬ રાજયોના ખેડૂતો સાથે સંવાદ પણ કરી રહ્યા છે.

આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી, પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના ૯ કરોડ ખેડૂતોને ૧૮,૦૦૦ રૂપિયા સીધા તેમના બેન્ક ખાતાઓમાં ટ્રાન્સફર કરશે. રાષ્ટ્રીય મહાસચિવ અને રાજયસભા સાંસદ અરૂણસિંહે પાર્ટી મુખ્યાલય પર પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે દેશના ૧૯,૦૦૦થી વધુ સ્થળોએ ભાજપ કાર્યક્રમ યોજશે. આ કાર્યક્રમોમાં દેશના એક કરોડથી વધુ ખેડૂતો પ્રત્યક્ષ રીતે ભાગ લેશે. જયારે પ કરોડ ખેડૂતો પ્રધાનમંત્રી મોદીનું ભાષણ સાંભળીને લાભ ઉઠાવશે. આ કાર્યક્રમ તમામ વિકાસ ખંડો, પંચાયતો, સહકારી સંસ્થાનો અને મંડીઓ પર આયોજીત થશે.

રાષ્ટ્રીય મહાસચિવ અરૂણસિંહે જણાવ્યું કે જો ફકત ઉત્તરપ્રદેશની વાત કરીએ તો ૮૨૨ બ્લોક, ૪૩૫ મંડળો, ૧૦ હજારથી વધુ વસ્તીવાળી ૫૮૫ ગ્રામ પંચાયતો અને ૧૨૨૫ સહકારી સંસ્થાઓ પર આ કાર્યક્રમ આયોજિત થઇ રહ્યા છે.

પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર વર્ષે ત્રણ હપ્તામાં ખેડૂતોના ખાતામાં ૬૦૦૦ રૂપિયા મોકલવામાં આવે છે. દરેક હપ્તામાં ૨૦૦૦ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે. આ કાર્યક્રમ એવા સમયે યોજાઇ રહ્યો છે જયારે દિલ્હીના વિવિધ સરહદો પર ખેડૂતો ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવાની માંગને લઇને છેલ્લા કેટલાક સપ્તાહથી પ્રદર્શન કરી રહ્યા છે. સરકારનો દાવો છે કે આ ત્રણેય કાયદા ખેડૂતોના હિતમાં છે.

દેશના જુદા જુદા વિસ્તારોમાં પીએમ મોદીના સંબોધન માટે મંત્રીઓ અને સાંસદોની ડયુટસ લગાવવામાં આવી છે. ભાજપના આ કાર્યક્રમ માટે ખેડૂત ચૌપાલ આયોજિત કરવાનો પ્લાન છે. ભાજણ અધ્યક્ષ જેપી નડ્ડાએ પોતાના કાર્યકર્તાઓને આ કાર્યક્રમમાં ભાગ લેવા અપીલ કરી છે અને સરકારની યોજનાઓ ખેડૂતો સુધી પહોંચાડવા નિર્દેશ પણ કર્યો છે.

જાણવા મળી રહ્યું છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ મહરૌલીમાં ખેડૂતો સાથે પીએમ મોદીનું ભાષણ સાંભળશે અને ત્યાંથી જ સંવાદ કરશે. જયારે દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહ માતા જીજાબાઇ પાર્ક સેકટર-૧૫ દ્વારકામાં હાજર રહેશે. ઉપરાંત કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર તામિલનાડુના ચેંગલપેટથી કાર્યક્રમમાં ભાગ લેશ. જયારે, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ઓડિશાના જગતસિંહપુર જિલ્લામાં કાર્યક્રમમાં સામેલ થશે. તો બીજી બાજુ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ ઘટનાથી પીએમ મોદીના આ ખેડૂત સંવાદ કાર્યક્રમમાં ભેગા થશે.

ગુજરાતમાં ખેડૂત આંદોલન કોઇપણ રીતે આગળ વધે નહીં તે માટે તમામ રીતે પ્રયાસ કરાઇ રહ્યા છે. જેના ભાગરૂપે આજે ૪૮ તાલુકામાં મોટા પાયે ખેડુતોને સાધન-સહાય વિતરણનો કાર્યક્રમ યોજાશે. આ માટે જે સ્થળે મંત્રીઓ ઉપરાંત ભાજપ સંગઠન દ્વારા પણ તમામ સ્થળોએ કયા પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે તેની યાદી તૈયાર કરાઇ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રવચનના સમયે ખેડુતો કાર્યક્રમમાં મહત્તમ હાજરી આપે તે માટે ઉચ્ચ કક્ષાએથી સૂચના આપવામાં આવી છે અને તે માટે તમામ વ્યવસ્થા કરવા પણ જણાવાયું છે.

સરકાર અને પક્ષ દ્વારા આ કાર્યક્રમને મહત્વનો ગણી તમામ રીતે તૈયારી કરાઇ છે. સમગ્ર કાર્યક્રમ સવારે ૧૧ થી શરૂ ગયો છે. કાર્યક્રમમાં સરકારની ખેડૂતલક્ષી યોજનાઓની ફિલ્મ પણ દર્શાવાશે આ માટે એલઇડીની વ્યવસ્થા કરવા પણ કૃષિ વિભાગ દ્વારા જણાવાયું છે. કાર્યક્રમના સ્થળે ખેડૂતો કે લાભાર્થીઓને લાવવા -લઇ જવાની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા ગોઠવવામાં આવશે. જે ખેડૂતોને આમંત્રિત કરાશે તેમના માટે ચા-નાસ્તો અને વર્કિગ લંચની પણ વ્યવસ્થા કરાશે. હાલ દિલ્હીમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે ત્યારે પીએમ મોદી દ્વારા સુશાસન દિન નિમિત્તી અપાનારૂ પ્રવચન મહત્વનું ગણવામાં આવે છે તેને ધ્યાનમાં રાખતા દરેક કાર્યક્રમના સ્થળે પીએમના પ્રવચન વખતે મહતમ ખેડૂતો ઉપસ્થિત રહે અને તે સાંભળે તે પ્રકારે વ્યવસ્થા કરવા પણ તાકિદ કરવામાં આવી છે. ગાંધીનગરમાં મુખ્ય ઉપરાંત તાલુકા કક્ષાએ યોજનારા કાર્યક્રમમાં કેટલા ખેડૂતો હાજર રહ્યા, તેમની યાદી, સાધન સહાયનું વિતરણ, કયા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા અને કુલ ખર્ચ તે તમામ બાબતોની વિગતો રાજયકક્ષાએ પરત રીપોર્ટીગ પણ કૃષિ વિભાગ દ્વારા મંગાવવામાં આવ્યું છે.

(11:14 am IST)