Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

નવા વર્ષથી નિયમો કડક થઇ રહ્યા છે

૨૦૨૦ પુરૂ થાય તે પહેલા ચીનના લોકો છુટાછેડા લેવા માટે કરી રહ્યા છે પડાપડી : કચેરીઓ બહાર લાગે છે લાંબી લાઇનો

બીજીંગ,તા. ૨૫: ડિવોર્સ એટલે કે છુટાછેડા એક કાયદાકિય પ્રક્રિયા છે. જેમ આપણે ભારતમાં થાય છે તેમ વિશ્વના તમામ દેશોમાં થાય છે. ત્યારે વાત છે ચીનની કે જયાં અત્યારે છુટાછેડા લેવા માટે દંપતિઓની લાઇન લાગી છે. ડિવોર્સ માટેની કચેરીઓ બહાર લાંબી લાંબી લાઇનો લાગે છે. ઓનલાઇન અપોઇન્ટમેન્ટ પણ ફુલ છે. દરેક દંપતિને ડિવોર્સ લેવા માટેની ઉતાવળ છે. દરેક લોકો પ્રયાસ કરી રહ્યા છે કે તેમને ૩૧ ડિસેમ્બર પહેલા છુટાછેડા મળી જાય.

તમને સવાલ થશે કે આવું કેમ હશે? તો તેનો જવાબ છે કે ચીનમાં જાન્યુઆરી ૨૦૨૧થી પહેલી નાગરિક સંહિતા લાગુ થનાર છે. જેના કારણે છુટાછેડા માટેના નિયમો બદલી જશે. સરળ ભાષામાં કહીએ તો એક જાન્યુઆરી ૨૦૨૧ બાદથી છુટાછેડા લેવા મુશ્કેલ થઇ જશે.

ચીની મીડિયાના જણાવ્યા પ્રમાણે ડિવોર્સની પ્રક્રિયા કરી આપતી કચેરીઓ બહાર લાંબા લાઇનો લાગી રહી છે. પહેલા કરતા અત્યારે ડિવોર્સ માટે આવતા લોકોની સંખ્યા બેગણી થઇ ગઇ છે. નવી નાગરિક સંહિતાને ચીનની સંસદે આ વર્ષે મે મહિનામાં મંજૂરી આપી હતી. નવા સિવિલ કોડના આલોચકોનું કહેવું છે કે સરકારે હવે લોકો પાસેથી છુટાછેડા લેવાની આઝાદી પણ છીનવી લીધી છે. જેનું પરિણામ ઘરેલુ હિંસાના રુપમાં સામે આવશે.

અત્યાર સુધી ચીનમાં ડિવોર્સ પ્રક્રિયા એકદમ સરળ હતી. ડિવોર્સ માટેની અરજી કર્યાના બે કે ત્રણ દિવસની અંદર તેને મંજૂરી મળી જતી. જયારે હવે નવા નિયમો પ્રમાણે ડિવોર્સ લેવા માંગતા દંપતિઓએ છ મહિનાના કુલ ઓફ પિરિયડમાંથી પસાર થવાનું રહેશે. એટલે કે જો ગુસ્સામાં જ ડિવોર્સનો નિર્ણય લીધો હતો. તે તેને બદલી શકાય. સાથે જ કદાચ સાથે રહેવાથી પતિ પત્ની વચ્ચે સમાધાન પણ થઇ શકે.

ચીની સરકારે ડિવોર્સના નિયમોમાં ફેરફાર કર્યા પાછળનું કારણ છે કે છેલ્લા કેટલાક સમયથી ચીનમાં છુટાછેડાનું પ્રમાણ દ્યણું વધી રહ્યું છે. એકલા ૨૦૧૯ના વર્ષમાં જ ૪૭ લાખ દંપતિએ ડિવોર્સ લીધા હતા. જો કે સરકારે ડિવોર્સના નિયમોની અંદર જે બદલાવ કર્યો છે, તેનાથી મોટાભાગના લોકો નાખુશ છે.

(10:17 am IST)