Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

કોરોનાએ વડાપ્રધાન મોદીના વિદેશ પ્રવાસ પર લગાવી બ્રેકઃ વર્ષમાં ૨૨૬ દિવસ ટીવી પર જોવા મળ્યા

વર્ષ ૨૦૧૯માં ૩૫ દિવસ વિદેશમાં હતા પરંતુ વર્ષ ૨૦૨૦માં કોરોનાના કારણે ૩૬૫ દિવસ તેઓ ભારતમાં જ રહ્યાં

નવી દિલ્હી,તા. ૨૫: કોરોનાના કારણે વર્ષ ૨૦૨૦ કોઈ તુરંત ભુલી શકે તેમ નથી. ભાગતી દોડતી દુનિયા ઘરોમાં કેદ થઈ ગઈ હતી. જીવનની રફ્તાર પર બ્રેક લાગી ચુકી હતી ત્યારે જો વડાપ્રધાન મોદીની વાત કરવામાં આવે તો તેઓ વર્ષ ૨૦૧૯માં ૩૫ દિવસ વિદેશમાં હતા પરંતુ વર્ષ ૨૦૨૦માં કોરોનાના કારણે ૩૬૫ દિવસ તેઓ ભારતમાં જ રહ્યાં.

મોદી જયારેથી વડાપ્રધાન બન્યા ત્યારથી આ પહેલું એવું વર્ષ છે કે જયારે તેઓ વિદેશ પ્રવાસે જઈ શકયા નથી. જોકે મોદી એકલા એવા વડાપ્રધાન નથી કે જેઓ કોરોનાના કારણે અન્ય દેશની મુસાફરી ન કરી શકયાં હોય. એવા ઘણાં નેતાઓ છે જેમણે પોતાના મહત્વપૂર્ણ પ્રવાસો રદ્દ કરવા પડ્યા.

ગત વર્ષે આરટીઆઇએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસ પર થયેલા ખર્ચને લઈને રિપોર્ટ જાહેર કર્યો છે. જે મુજબ મોદીએ પોતાના ૪૮ મહિનાના શાસનકાળમાં અત્યાર સુધીમાં ૪૧ વિદેશ પ્રવાસ કર્યો જેના પર કુલ ૩૫૫ કરોડ રૂપિયા ખર્ચ થયાં. બેંગલુરુના એક વ્યકિતએ વડાપ્રધાન મોદીના વિદેશ પ્રવાસ અને તેના પર થયેલા ખર્ચને લઈને જાણકારી માંગી હતી જેના જવાબમાં RTIએ આ રિપોર્ટ જાહેર કર્યો હતો. આરટીઆઇ પ્રમાણે મોદી પોતાના કાર્યકાળમાં ૧૬૫ દિવસ દેશની બહાર રહ્યાં.

પરંતુ આ વર્ષે કોરોનાના કારણે વડાપ્રધાન મોદીએ વર્ચ્યૂઅલ માધ્યમથી મોટી ઈવેંટને સંબોધિત કરી. એટલે કે વર્ષના ૪૦ દિવસ વિદેશમાં રહેતા મોદી આ વર્ષે વડાપ્રધાન તરીકે ૨૨૬ દિવસ ટીવી પર જોવા મળ્યા. જેનો અર્થ કે તેઓ દર બીજા દિવસે ટીવી પર જોવા મળ્યા. કોરોનાની શરૂઆતથી કુલ ૭ સંબોધનોમાં મોદી કુલ ૧૫૭ મીનીટ બોલ્યા. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગત વર્ષના નવેમ્બર મહિના બાદથી તેઓ કોઈ પણ વિદેશ પ્રવાસે નથી ગયા.

(10:15 am IST)