Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

દહેશતમાં દુનિયામાં

હવે નાઇજેરિયામાં મળ્યો કોરોના વાયરસનો વધુ એક નવો સ્ટ્રેન

નૈરોબી,તા. ૨૫: બ્રિટન અને દક્ષિણ આફ્રિકા પછી હવે આફ્રિકાના દેશ નાઈજેરિયામાં કોરોના વાયરસનો એક નવો સ્ટ્રેન મળ્યો છે. ગુરુવારે આફ્રિકાના ઉચ્ચ જાહેર આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે, કોરોનાનો આ નવો સ્ટ્રેન નાઈજેરિયાના લોકોમાં જોવા મળ્યો છે. આ સ્ટ્રેનને લઈને વધુ જાણકારી મેળવવા માટે વૈજ્ઞાનિકોની ટીમ તપાસ કરી રહી છે. બુધવારે જ બ્રિટનમાં દક્ષિણ આફ્રિકાથી આવેલા બે મુસાફરોમાં કોરોનાનો નવો સ્ટ્રેન મળ્યો હતો. આ નવા સ્ટ્રેનને બ્રિટિશ સ્વાસ્થ્ય મંત્રીએ ૭૦ ટકા વધુ ચેપી જણાવ્યો હતો.

આફ્રિકાના સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ચીફ જોન નેકેંગસોંગે નાઈજેરિયાના આ નવા સ્ટ્રેન વિશે કહ્યું કે, યુકે અને દક્ષિણ આફ્રિકામાં જોવા મળેલા સ્ટ્રેન અલગ પ્રકૃતિના છે. આ સ્ટ્રેનની તપાસ નાઈજેરિયા સીડીસી અને આફ્રિકાના સેન્ટર ફોર એકસલન્સ ફોર જીનોમિકસ ઓફ ઈન્ફેકિશયસ ડિસીઝના વૈજ્ઞાનિક કરી રહ્યા છે. તેમણે વાયરસના આ પ્રકૃતિની તપાસ માટે વધુ સમયની માગ કરી.

ડો. નેકેંગસોંગે જણાવ્યું કે, વેકસીન પર નાઈજેરિયાના વેરિયન્ટનો સંભવિત પ્રભાવ હજુ સુધી અસ્પષ્ટ છે. એક પ્રારંભિક રિપોર્ટમાં કહેવાયું છે કે, ૩ ઓગસ્ટ અને ઓગસ્ટ વચ્ચે દક્ષિણ ઓસુન રાજયમાં લાગોસના ઉત્ત્।રમાં ૧૦૦ માઈલ દૂર બે દર્દીઓના લેવાયેલા નમૂનામાં કોરોના વાયરસનો આ નાઈજેરિયન વેરિયન્ટ જોવા મળ્યો હતો. કોરોના વાયરસના આ વેરિયન્ટને P681H નામ અપાયું છે.

 જણાવાઈ રહ્યું છે કે, કોરોના વાયરસનો આ નવો સ્ટ્રેન બે કે ત્રણ જિનેટિક સીકવન્સ પર આધારિત છે. ગત સપ્તાહના અંતમાં દક્ષિણ આફ્રિકાએ કોરોનાના વધતા મામલાને લઈને એલર્ટ પણ આપ્યું હતું. સમગ્ર મહાદ્વીપમાં સંક્રમણની વધતી ઝડપને જોયા બાદ આફ્રિકાન સીડીસીએ એક ઈમરજન્સી બેઠક પણ બોલાવી છે. આ બેઠકમાં કોરોનાના નવા સ્ટ્રેન ઉપરાંત મહાદ્વીપમાં વેકસીનની આપૂર્તિને લઈને ચર્ચા કરાશે.

(10:14 am IST)