Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

ફકત ૧ રૂપિયામાં ગરીબોને ભોજન પુરૂ પાડશે ગંભીરઃ શરૂ કરી 'જન રસોઈ' કેન્ટીન

કેન્ટીન ૩,૫૦૦ સ્કવેર ફુટમાં ફેલાયેલી છે અને એક સમયે ૧૦૦ લોકો કેન્ટીનમાં ભોજન કરી શકશે

નવી દિલ્હી,તા.૨૫: ભાજપના સાંસદ ગૌતમ ગંભીરે ગુરૂવારે ગાંધી નગરમાં 'જન રસોઈ' કેન્ટીનને ખુલ્લી મૂકી હતી. આ કેન્ટીનમાં જરૂરીયાત મંદોને ફકત ૧ રૂપિયામાં ભોજન પુરૂ પાડવામાં આવશે. ગંભીર ઈસ્ટ દિલ્હીથી સાંસદ છે અને તે પોતાના મત વિસ્તારના ૧૦ વિધાનસભા મતદારક્ષેત્રો એક-એક આવી કેન્ટીન ખોલવા ઈચ્છે છે.

ગાંધી નગર ઈસ્ટ દિલ્હીમાં આવેલું છે અને તે રેડીમેડ ગાર્મેન્ટ્સનું એશિયાનું સૌથી મોટુ માર્કેટ છે. આ કેન્ટીનનો હેતુ ગરીબોને પૌષ્ટિક અને શુદ્ઘ ભોજન પુરૂ પાડવાનો છે જેના કારણે કોઈ પણ ગરીબ પોષણથી વંચિત રહી ન જાય. આ કેન્ટીન ગાંધી નગરમાં કૈલાશ કોલોની બસ સ્ટોપ નજીક છે અને તે દરરોજ સવારે ૧૧.૩૦ વાગ્યાથી બપોરે ૩ વાગ્યા સુધી ખુલ્લી રહેશે.

આ અંગે ગંભીરે જણાવ્યું હતું કે, હું હંમેશા માનતો આવ્યો છું કે પ્રત્યેક વ્યકિતને પૌષ્ટિક અને હાઈજેનિક ભોજન મેળવવાનો હક છે ભલે તે કોઈ પણ જાતિ, ધર્મ કે ગમે તેવી આર્થિક પરિસ્થિતિ જ કેમ ન ધરાવતો હોય. આ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના અભિયાનનો ભાગ છે જે માને છે કે દેશમાં કોઈ પણ વ્યકિત ભૂખ્યો રહેવો જોઈએ નહીં. તે જોવું ઘણું દુઃખદ છે કે બેઘરો અને ગરીબોને દિવસમાં બે ટંકનું ભોજન પણ મળતું નથી.

તેણે કહ્યું હતું કે, ઘણા બધા રાજયોની સરકાર ગરીબોને આવી રીતે ભોજન પુરૂ પાડે છે અને દેશની રાજધાનીમાં આવી કોઈ સુવિધા નથી તે ઘણી શરમજનક વાત છે. તેણે કહ્યું હતું કે, હું ઈચ્છું છું કે દિલ્હીમાં પણ પ્રત્યેક વ્યકિતને પૌષ્ટિક ભોજન અને શુદ્ઘ પાણી મળવું જોઈએ. મારુ આ સ્વપ્ન સાકાર નહીં થાય ત્યાં સુધી હું કામ કરતો રહીશ.

આ કેન્ટીન ૩,૫૦૦ સ્કવેર ફૂટમાં ફેલાયેલી છે અને એક સમયે ૧૦૦ લોકો કેન્ટીનમાં ભોજન કરી શકશે. કેન્ટીનના દરવાજા પર કૂપન મળશે અને આ કૂપન દ્વારા ભોજન આપવામાં આવશે. કોવિડ-૧૯ના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવશે અને એક સાથે ૫૦થી વધુ વ્યકિતઓને બેસવા દેવામાં આવશે નહીં.

(10:14 am IST)